BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, સોમવારે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે રાત્રે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના થવાને કારણે તેમને કોલકાત્તાના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીને કોરોના હોવાની જાણ ગઈ  રાત્રે થઈ હતી જ્યારે તેમનો  ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો પરંતુ હજુ તેમના પરિવારના રિપોર્ટ મળવાનાં બાકી છે.  49 વર્ષના ગાંગુલી હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.ગાંગુલી આ એક વર્ષની અંદર બીજીવાર હોસ્પિટલ પહોંચ્યા છે. આ અગાઉ જાન્યુઆરીમાં હાર્ટ એટેકના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેઓને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ગાંગુલીનું સંક્રમિત થવું ચિંતાનો વિષય છે. લોકો તેમના  જલ્દી સ્વસ્થ થવા માટેની કામના કરી રહ્યા છે.

ભારતના આફ્રિકા પ્રવાસ પહેલા ગાંગુલી ઘણા વિવાદોમાં પણ રહ્યા હતા. આ પ્રવાસ પહેલા બીસીસીઆઈએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને વન-ડેના કેપ્ટન બનાવ્યા હતા જે બાદ ગાંગુલીએ જણાવ્યું હતું કે, કોહલી સાથે વાત કર્યા બાદ જ તેને વનડેની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વન-ડેની કેપ્ટનશિપ છીનવી લેવાના દોઢ કલાક પહેલા તેને આ અંગે જાણ કરવામાં આવી હતી. કોહલીના આ નિવેદન પર ગાંગુલીએ જણાવ્યું હતું કે, તે હવે આ બાબતમાં કંઈ નહીં બોલશે, બોર્ડ તેની સાથે યોગ્ય રીતે કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *