આંદોલન: દિલ્હીમાં હવે ખેડૂતો બાદ ડોકટરો રસ્તા પર, પોલીસ અને ડોકટરો વચ્ચે મારામારી, ૭ પોલીસકર્મી ઘાયલ

દેશની રાજધાની દિલ્હી હવે અંદોલન કારીઓની રાજધાની બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂત આંદોલનને માંડ થાળે પડ્યું હતું અને તેવામાં હવે ડોક્ટરોએ દિલ્હીમાં ભારે સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉમટી પડ્યા છે. NEET-PG ૨૦૨૧ના કાઉન્સેલિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની માગ સાથે દિલ્હીમાં મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ  વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર પોલીસ અને ડોક્ટરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. રેસિડન્ટ ડોક્ટરોએ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવતાં સોમવારે એક રેલી કાઢી હતી. ડોક્ટરોનું આંદોલન ચાલુ રહેવાને પગલે કેન્દ્ર દ્વારા સંચાલિત ત્રણે હોસ્પિટલ- સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિંગ હોસ્પિટલોની સાથે જ દિલ્હી સરકારની કેટલીક હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશન છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યું છે. એસોસિયેશનના મહાસચિવ ડો.કુલ સૌરભ કૌશિકે દાવો કર્યો કે મોટી સંખ્યામાં મોટી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરોએ સોમવારે વિરોધના એક ભાગરૂપે પોતાના એપ્રોન પરત આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે અમે મૌલાના આઝાદ મેડિકલ કોલેજના પરિસરમાંથી સુપ્રીમકોર્ટ સુધી રેલી યોજવાની પણ કોશિશ કરી હતી. જોકે જેવી અમે આ રેલીને શરૂ કરી કે સુરક્ષા કર્મચારીઓએ અમને રોક્યા હતા. એસોસિયેશનના અધ્યક્ષ મનીષે આરોપ લગાવતાં કહ્યું હતું કે ઘણા ડોક્ટરોની પોલીસે ધરપકડ કરી અને તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. થોડા સમય પછી તેમને છોડી મૂકવામાં આવ્યા. પોલીસે બળનો પ્રયોગ કરતાં કેટલાક ડોક્ટર્સ ઘાયલ થયા છે.

એસોસિયેશ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલમાં પોલીસકર્મચારીઓ અને દેખાવકારો વચ્ચે થયેલી મારામારીની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. જોકે પોલીસે લાઠીચાર્જ કરવા કે અભદ્ર ભાષાના ઉપયોગ કરવા અંગેના આરોપનો ઈનકાર કર્યો છે. પોલીસે કહ્યું હતું કે ૧૨ દેખાવકારની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દેખાવકારોએ આઈટીઓ રોડને જામ કર્યો હતો. તેમને ત્યાંથી વારંવાર હટવા માટેનું કહેવામાં આવ્યું હતું, જોકે તેમણે આ વાતની અવગણના કરી હતી.

ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશન તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, મેડિકલ પ્રોફેશનના લોકોના ઈતિહાસમાં આ કાળો દિવસ છે. એમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રેસિડન્ટ ડોક્ટર નીટ પીજી કાઉન્સેલિંગ ૨૦૨૧ની પ્રક્રિયાને ઝડપી કરવા માટે શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા છે. જોકે તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા અને પોલીસે તેમની અટકાયત કરી છે. આજથી તમામ મેડિકલ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ રહેશે.

દિલ્હી પોલીસે જણાવ્યુ હતું કે, કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી વગર રેસિડન્ટ ડોક્ટર્સના એક ગ્રુપે ITOથી દિલ્હી ગેટ સુધીના મુખ્ય રસ્તાને બંધ કરી દીધો અને ત્યાં લગભગ ૬ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ થયો હતો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગના મહાનિર્દેશકે તેમની સાથે વાત કરીને તેમની માગોને પૂરી કરવા અંગેનું આશ્વાસન આપ્યું હતું. તેમણે દાવો હતો છે કે તેમને સમજાવવામાં આવ્યા હોવા છતાં તેઓ આક્રમક થયા હતા અને રસ્તાને રોક્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ અને ડોક્ટરની વચ્ચે થયેલી મારામારીમાં સાત પોલીસકર્મચારી ઘાયલ થયા છે અને પોલીસ જીપના કાચ તૂટી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *