કોરોનાના વધતા જોખમ તેમજ કોરોના ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની ૨ નવી વેક્સિન અને એક એન્ટી વાઇરલ ડ્રગ્સના ઉપયોગની મંજૂરી આપી છે. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને દેશને આ વિશે શુભેચ્છા આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બે વેક્સિન- કોર્બેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી વાઇરલ ડ્રગ મોનલુપિરાવિરને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટીન સબ યુનિટ વેક્સિન છે એને હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઈએ બનાવી છે. આ હવે ભારતમાં બનેલી ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે. નેનૌપાર્ટિકલ વેક્સિન વોકોવેક્સનું ઉત્પાદન પૂણેમાં આવેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવશે.
સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એન્ટી વાઇરલ દવા મોલનુપિરાવિર દેશની 13 કંપનીઓ બનાવશે. એ કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવારમાં ઈમર્જન્સીમાં વાપરવામાં આવશે. આ દવા તેમને જ આપવામાં આવશે, જેમને બીમારી વધવાનું જોખમ હોય. આ દવાને કોવિડ-19નો પ્રતિકાર કરવા માટે ખૂબ ઉપયોગી અને મહત્વની માનવામાં આવે છે.