સુરત: GST વધારા મુદ્દે વેપારીઓમાં ભારે રોષની લાગણી, ટેકસટાઇલ માર્કેટ ૩૦ ડિસેમ્બરે સંપૂર્ણ બંધ રાખી વિરોધ કરશે

દેશમાં સત્તત વધી રહેલા કોરોનાના કેસોએ પહેલાથી જ ધંધાદારીઓની ઊંઘ હરામ કરી દીધી છે.તેવામાં સરકારે પણ વેપારીઓની મુશ્કેલી વધારી દીધી છે. કાપડ ઉદ્યોગમાં GST ૫% થી વધારી ૧૨ ટકા કરવા સામે સુરતના વેપારીઓએ એકજુથ થઈને વિરોધ કરવા રણનીતિ બનાવી ૩૦ ડિસેમ્બરના રોજ વેપારીઓ હવે સજ્જડ બંધ રાખીને વિરોધ પણ વ્યક્ત કરવાના છે. આ અગાઉ વેપારીઓ કાળી પટ્ટી બાંધીને થાળીઓ વગાડીને વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરંતુ શહેરમાં ૧૪૪ કલમ લાગુ થવાથી હવે વેપારીઓએ રણનીતિ બદલી છે. તા.૧ જાન્યુઆરીથી GSTનો દર વધે તે પહેલાં સરકારના કાન ખોલવા વેપાર ધંધા બંધ રાખીને વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇન પર GSTનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરવા મામલે માત્ર સુરતના નહીં પરંતુ દેશભરના કાપડના વેપારીઓ અને પાવરલૂમ કારખાનેદારો નારાજ થયા છે. વિવર્સથી ૬૫૦ કરોડની ક્રેડિટ ૧૨ ટકાના દર સાથે જતી રહે છે. એટલુ જ નહીં તેમના કેલ્કયુલેશન પ્રમાણે વર્ષે વિવિંગ ઉદ્યોગને ૧૬૦૦ કરોડનું જ્યારે કાપડના વેપારીઓને ૨૨૦૦ કરોડનું નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી હતી.

કેન્દ્રના ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશ કહ્યું હતું કે , સુરતના વિવર્સો અને કાપડના વેપારીઓની GSTના સ્લેબને લગતી લાગણી અમે નાણામંત્ર નિર્મલા સિતારમણ સુધી પહોંચાડી છે. કેન્દ્ર સરકારે હંમેશા સુરતના કાપડ ઉધોગનું અગાઉ પણ હિત જોયું છે. અને ભવિષ્યમાં પણ વેપારીઓનું હિત જોશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીના જણાવ્યા અનુસાર, કાપડ ઉદ્યોગ સાથે ૩૫ કરોડ કામદારો સીધા અને આડકતરી રીતે સંકળાયેલા છે. જેમાંથી મોટાભાગની મહિલાઓ છે જેઓને સીધી અસર થશે. દેશમાં ૫ લાખ ઓટોમેટિક લૂમ્સ છે, જેમાંથી ૫૦ ટકા સુરતના છે. જેના કારણે આ નિર્ણયની વિપરીત અસર થશે. તેમણે વધુ જણાવ્યું હતું કે  કે GSTનો દર વધવાથી છેલ્લું ભારણ ગ્રાહક પર જ આવશે. એકબાજુ સરકાર મોંઘવારી ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે. ત્યાં GST વધવાથી લોકોને કપડા ખરીદવા પણ મોંઘા બનશે. GST આવવાથી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતોમાં પણ ૧૫ રૂપિયાથી લઈને ૨૫ રૂપિયા સુધીનો વધારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *