હાથ અને શરીરનો ઉપયોગ કર્યા વગર પહેલીવાર સીધું મગજ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું

શું તમે બોલ્યા વગર કે ટાઈપ કર્યા વગર કોઈ મેસેજ લખ્યો છે? આવોજ એક કિસ્સો ઓસ્ટ્રેલીયામાં બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં એક લકવાગ્રસ્ત દર્દીએ પોતાના હાથોનો ઉપયોગ કર્યા વગર, બોલ્યા વગર અને શરીર હલાવ્યા વગર પ્રથમ વખત પોતાનો એક મેસેજ લખ્યો છે. તેમણે આ મેસેજ ટ્વિટર પર પણ શેર કર્યો છે. આ મેસેજ જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.

આ લકવાગ્રસ્ત દર્દીનું નામ ફિલિપ ઓ’કીફ છે અને તેમની ઉંમર ૬૨ વર્ષ છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, “હેલ્લો, દુનિયા! નાની ટ્વિટ, મોટું અચિવમેન્ટ.” ફિલિપ ઓ’કીફે આ ટ્વિટ સિંક્રોન કંપનીના CEO થોમસ ઓક્સલીના ટ્વિટર હેન્ડલ પરથી કરી હતી. આ સાથે જ ફિલિપ ઓ’કીફે ડોક્ટર્સનો ‘મગજમાં પેપરક્લિપના પ્રત્યાર્પણ માટે’ આભાર માન્યો હતો.

સિંક્રોન કંપનીએ તેમના મગજમાં માઈક્રોચિપ ઈમ્પ્લાન્ટ કરીને તેમને પોતાના વિચારોને શબ્દોમાં બદલવાનો પાવર આપ્યો છે. ફિલિપના મગજમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવેલી માઈક્રોચિપ મસ્તિષ્કના સંકેતોને વાંચે છે. બાદમાં તે સંકેતોનું વિશ્લેષણ કરે છે અને મસ્તિષ્કના નિર્દેશને સમજીને તેને શબ્દોમાં બદલે છે.

 

 

ફિલિપના કહેવા પ્રમાણે જ્યારે તેમણે પહેલી વખત આ તકનીક અંગે સાંભળ્યું ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો હતો. તેનાથી તેમને અંદાજો આવી ગયો કે, તેમનું કામ કેટલું સરળ બની જશે. તેમણે  આ સિસ્ટમને ખૂબ જ આશ્ચર્યજનક ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે તેમના માટે આ બાઈક ચલાવતા શીખવા જેવો જ અનુભવ છે. આ માટે ખૂબ પ્રેક્ટિસની જરૂર પડે છે. પરંતુ એક વખત તમે જ્યારે આ સમજી લો છો તો તમારા માટે આ તકનીક ખૂબ સરળ બની જાય છે અને તમે તેનો આરામથી ઉપયોગ કરી શકો છો.

થોમસ ઓક્સલીએ જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય આ તકનીક દ્વારા એવા લોકોને સુવિધા પૂરી પાડવાનો છે જે શારીરિક અને માનસિક અક્ષમતાના કારણે બીજાના સહારે જીવે છે. આ સાથે જ તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ લોકો માટે થોટ્સ દ્વારા કશુંક લખવા કે ટ્વિટ કરવાનો રસ્તો સરળ બનાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *