મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે જીવલેણ અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારની સહાય માટે મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને વ્યક્તિદીઠ પ૦ હજાર રૂ.ની સહાય અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવામાં આવશે.
અકસ્માતનો ભોગ બનેલા અને ઇજાગ્રસ્ત થયેલાઓ વાપી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-૧૯ જૂડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહ્યા હતા ત્યારે અરણેજ બગોદરા માર્ગ પર આ કમનસીબ દુર્ઘટના બુધવારે સવારે સર્જાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ઘટનાની જાણ થતાં જ તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર,એસ.પી અને આરોગ્યના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવારનો પ્રબંધ કરવા સૂચના આપી હતી આ અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.