ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે દ.આફ્રિકાને ૧૧૩ રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ૩૦૫ રનના ટાર્ગેટ સામે દક્ષીણ આફ્રિકાની ટીમ ૧૯૧ રનમાં ઓલઆઉટ થતા ભારતે આ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે ભારતીય ટીમે ૩ મેચમાં સિરીઝને ૧-૦ થી લીડ મેળવી લીધી છે. ચોથી ઈનિંગમાં દ.આફ્રિકાની ટીમ તરફથી એક માત્ર ખેલાડી ડીન એલ્ગરે ૭૭ રન નોંધાવ્યા હતા. ડીન એલ્ગર સિવાય કોઈપણ ખેલાડી ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર શમી અને બુમરાહે ૩-૩ વિકેટ લઈ આફ્રિકન બેટ્સમેનોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને ૨-૨ વિકેટ લીધી હતી.
સેન્ચુરિયનમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઈતિહાસ
સેન્ચુરિયનના મેદાનમાં ભારતીય ટીમે ટેસ્ટ મેચ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે સેન્ચુરિયન ના મેદાન પર પહેલી વાર જીત મેળવી છે. ઉપરાંત વિરાટ કોહલી સેન્ચુરિયનના મેદાન પર ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે સતત ત્રીજી મેચ જીતી છે. સાઉથ આફ્રિકાના ઘરઆંગણે ભારતે આ સતત બીજી ટેસ્ટ જીતી છે. આની પહેલા ૨૦૧૮ માં ટીમ જોહાનિસબર્ગમાં રમાયેલી મેચમાં ૨૮ રનથી જીતી હતી.
સેન્ચુરિયન ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા ટીમ ના કેપ્ટન ડીન એલ્ગરે ૧૫૬ બોલમાં ૭૭ રનની શાનદાર ઈનિંગ રમી આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે તેને LBW આઉટ કર્યો હતો. જોકે એલ્ગરે અમ્પાયરના નિર્ણયને પડકારતા રીવ્યુ લીધો હતો.પરંતુ રિપ્લેમાં સ્પષ્ટપણે બોલ હિટિંગ વિકેટ હોવાથી તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી, અને ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બની ગયો છે. બીજી ઈનિંગમાં પણ પુજારા કંઈ ખાસ કરી શક્યો નહીં અને ૧૬ રનના સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન કોહલી પણ આઉટ સાઈડ ઓફ સ્ટમ્પના બોલ પર ડ્રાઈવ મારવા જતા ૧૮ રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ બંને બેટરના આઉટ થયા પછી ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેવામાં અજિંક્ય રહાણે પાસે ટીમમાં સ્થાન નિશ્ચિત કરવા માટેની ઉજ્જવળ તક હતી જેનો તે ફાયદો ઉઠાવી ન શક્યો એને ૨૦રનના સ્કોર પર કેચ આઉટ થઈ ગયો હતો. ભારતીય ટીમે ૧૪૬ રનના સ્કોર પર ૭ વિકેટ ગુમાવી દીધી હતી.