દેશમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા જનતાને કડક પણે કોવિડ ગાઈડલાઈનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ ગાઈડલાઈન ફક્ત જનતા માટે જ છે. જનતા જો કોવિડ ગાઈડ લાઈનનું ઉલંઘન કરે તો તેમને દંડ ભરવો પડે છે અથવા તો જેલ ભેગા કરી દે છે. પરંતુ કોવિડ ગાઇડલાઈનનું નેતાઓજ ખુલ્લે આમ ઉલંઘન કરે તો તેમના પાસે થી ના તો દંડ વસુલવામાં આવે છે ના તો કોઈ જાત ની કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં જ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલના રોડ શો માં કોવિડ ગાઈડલાઈનના ખુલ્લે આમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે,હવે જોવાનું એ રહ્યું કે, આ બાબતે તંત્ર કોઈ એકસન લેશે કે પછી કોરોનાની ત્રીજી લહેરનો ભોગ જનતાને જ બનવું પડશે.
જુઓ કોવિડ ગાઇડલાઈનના ધજાગરા ઉડાડતી તસ્વીર…
રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું એરપોર્ટ પર બીજેપીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો શરૂ થયો છે. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી છે. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. રોડ શો દોઢ કિમી લાંબો છે, જેમાં મુખ્યમંત્રીની સાથે ૧૦૦ ગાડીનો કાફલો જોવા મળી રહ્યો છે. તેમજ ૧૦૦૦ બાઇકચાલકો પણ જોડાયા છે.
કોરોના મહામારીએ ત્રીજી વખત ગુજરતની જનતાને ભોગ બનાવવાનું શરુ કરી દીધું છે તેવામાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બેજવાબદાર નિવેદન આપ્યું છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે વાઈબ્રન્ટ સમિટ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુસ્સે થઈ સવાલનો જવાબ આપવાને બદલે કહ્યું કે, ગુજરાતમાં સ્થિતિ કાબૂમાં છે, અને આ સ્થિતિમાં જ ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ થયા જ છે. અને આ જ પરિસ્થિતિમાં જાનૈયાઓ રોડ પર વરઘોડા પણ કાઢતાં હતાં. તેમના આવા નિવેદન થી એવું લાગી રહ્યું છે કે કોરોના કેસો વધવાનું કારણ આ બધું જ છે. ઋષિકેશ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, આપણે આવી માનસિકતામાંથી બહાર આવવવાની જરૂર છે.
રાજકોટમાં મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરો તમામ નીતિ-નિયમો નેવે મૂકીને હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યા હતા. રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની એકત્રિત થવાનું નિશ્ચિત છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપરસ્પ્રેડર બનવાનું જોખમ છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ, બેન્કકર્મચારીઓનાં ધ૨ણાં ક૨વાની પણ મંજૂરી ન હતી છતાં ભાજપ સામે વહીવટી તંત્ર ઝુકી ગયું છે.