આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારવાનો કેન્દ્ર સરાકરે ઇનકાર કરી દીધો છે. તેથી છેલ્લી ઘડીએ રિટર્ન ફાઈલ કરવા પડાપડી થઈ હતી. સાંજે આઠ વાગ્યા સુધીના અહેવાલો મુજબ એક જ દિવસમાં અંદાજે ૩૧ લાખ જેટલા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યા હતા. કેન્દ્ર સરકારના મહેસૂલ સચિવે બપોરે જ આ નિર્દેશ આપી દેતા આવકવેરાના રિટર્ન ફાઈલ કરવામાં વેગ આવી ગયો હતો. ગઈકાલ સુધીમાં ૫,૬૯,૩૬,૮૩૮ રિટર્ન ફાઈલ થયા હતા.ત્યારબાદ આજે સવારથી સાંજ સુધીમાં બીજા ૨૬,૮૬૫૮૧ રિટર્ન ફાઈલ થયા હતા. છેલ્લી ઘડીએ ધસારો વધી જતાં એક જ કલાકમાં ૩,૯૦,૨૭૬ રિટર્ન ફાઈલ થયા હતા. આમ એક જ દિવસમાં રાતના આઠ વાગ્યા સુધીમાં અંદાજે ૩૧ લાખ રિટર્ન ફાઈલ થયા હતા. રાતના બાર વાગ્યા સુધી રિટર્ન ફાઈલ કરવા માટ ેધસારો ચાલુ રહ્યો હતો.
આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની મુદત ન લંબાતા ઘણાં નારાજ પણ થયા હતા. જોકે આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની તારીખ ન લંબાવવાના સરકારના નિર્ણયથી ઘણાં ખુશ થયા છે. ઘણાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે સરકારના એક્સટેન્શન ન આપવાના નિર્ણયને વધાવતા કહ્યું હતું કે એક્સટેન્સન આપવામાં આવે તો પણ કરદાતાઓ છેલ્લી ઘડી સુધી વિગતો આપતા નથી. પરિણામે નવી તારીખ પૂરી થાય ત્યાં સુધી કામ લંબાય છે અને તેમાં પણ છેલ્લી ઘડીએ ધસારો જ થાય છે.
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી
ગુજ-રેરા એટલે કે ગુજરાત સરકારની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઓડિટ રિપોર્ટ (ફોર્મ ૫) સાથે આકારણી વર્ષ ૨૦૨૧-૨૨નું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવીને ૩૧મી માર્ચ ૨૦૨૨ કરી આપી છે. ૩૧મી ડિસેમ્બર સુધી આવકવેરાના ઑડિટ રિપોર્ટ જ તૈયાર ન થયા હોવાથી તે ફાઈલ કરવા મુશ્કેલ હોવાનું જણાવીને ચાર્ટર્ટ એકાઉન્ટન્ટ્ એસોસિયેશનની ગુજરાત શાખાએ તેની તારીખ લંબાવવાની માગણી કરતો પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરઓસીએ ૨૮ ફેબુ્રઆરી સુધીનું એક્સટેન્શન આપ્યું
૩૧મી માર્ચ ૨૦૨૧ના પૂરા થયેલા નામાંકીય વર્ષ માટે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝના વાર્ષિક રિટર્ન સાથે વાર્ષિક સરવૈયા સહિતની વિગતો અપલોડ કરવામાં વિલંબ થયો હશે તો તેને માટે વસૂલવામાં આવતા દંડની રકમ આગામી ૧૫મી ફેબુ્રઆરી અને એમજીટી ૭ અને એમજીટી-એ ફોર્મ ભરવામાં વિલંબ થાય તો ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી દંડ વસૂલવામાં આવશે નહિ. ભારત સરકારના કંપનીઓને લગતી બાબતોના ખાતાએ ૨૯મી ડિસેમ્બર ૨૦૨૨ના કરેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ તરફથી આ મુદ્દે તેમને વારંવાર અને સંખ્યાબંધ રજૂઆતો મળી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વિલંબથી રિટર્ન ફાઈલ કરવા માટે લેવામાં આવતા દંડમાંથી માફી આપવાની માગણી કરી હતી. એઓસી-૪, એઓસી-૫(સીએફએસ), એઓસી-૪ એક્સબીઆરએલ, એઓસી -૪ નોન એક્સબીઆરએલ ફાઈલ કરવામાં વિલંબ થશે તો આગામી ૨૮મી ફેબુ્રઆરી ૨૦૨૨ સુધી કોઈ જ દંડ વસૂલવામાં આવશે નહિ. એમજીટી-૭ અને એમજીટી-૭એ ભરવામાં પણ આ રાહત આપવામાં આવી છે. આ જ રીતે જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં પણ બે મહિનાનું એક્સટેન્સન આપી દેવામાં આવ્યું છે.