ઈન્ડિયન ઓઈલે પહેલી જાન્યુઆરીથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને લોકોને ભારે મોટી રાહત આપી છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓઈલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. ડિસેમ્બરમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતમાં 100 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી. જોકે સામાન્ય લોકો માટે રાહતની વાત એ છે કે, ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં તે વખતે કોઈ પણ જાતનો વધારો નહોતો કરાયો અને આ વખતે પણ કિંમત સ્થિર રાખવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર્સના ભાવમાં ઘટાડો કરવાના કારણે રેસ્ટોરા અને હોટેલ ચલાવનારા કારોબારીઓને ભારે રાહત મળશે.
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં કરવામાં આવેલા 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ એલપીજીની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા ખાતે તે 2077 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં તેની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે.