છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સ પેડ્લરો દ્વારા અવાર નવાર ડ્રગ્સની હેરાફેરીઓના કિસ્સા વધી રહ્યા છે. એવામાં જિલ્લા પોલીસ વડાના આદેશથી મહેસાણા SOG પોલીસની ટીમે જિલ્લામાં વિવિધ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. SOGની ટીમે બાતમીના આધારે વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં દરોડા પાડી રજીયાબાનું નામની મહિલા પાસેથી ૩.૦૪ લાખની કિંમતનો ૩૦.૪૯૦ કિગ્રા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
મહેસાણા જિલ્લા SOGની ટીમે વિસનગર શહેર પોલીસ મથક વિસ્તારમાંથી જથ્થાબંધ ગાંજો ઝડપી મોટી સફળતા મેળવી છે. SOG દ્વારા સ્થળ પરથી મળી આવેલ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન સહિત કુલ ૩.૦૭ લાખ જેટલો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી રજીયાબાનું અને તેના સાથી વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે આ કાળા કારોબારમાં રાજુ નામનો મુખ્ય આરોપી ફરાર છે. જેની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.