“ગાંધીના ગુજરાતમાં ગોડસેની ગાથા”: હિંદુ સેનાએ જામનગરમાં ‘ગોડસે ગાથા’નો કર્યો પ્રારંભ

હિન્દુ સેનાએ જામનગરમાં ગોડસેના પૂતળા બાદ હવે ‘ગોડસે ગાથા’ સાથે નવા વર્ષનો આરંભ કરી વિવાદનો ઢગલો ઠાલવ્યો છે. હિંદુ સેનાએ દેશમાં પ્રથમ વખત જામનગર શહેરમાં ગોડસે ગાથા રજૂ કરીને નવા વર્ષની પ્રવૃત્તિનો આરંભ કર્યો છે.

હિંદુ સેના દ્વારા ગોડસેએ સજા અગાઉ અદાલતમાં આપેલું અંતિમ નિવેદનનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે હિન્દુ સેના દ્વારા ગામડાઓ અને અન્ય જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં ગોડસે ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંદુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતીકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, “ભારતવર્ષમાં પ્રથમ વખત ગુજરાતના જામનગરમાં હિંદુ સેનાએ અનેક બાધાઓ પાર કરીને ગોડસે ગાથાની શરુઆત કરી છે, જેમાં નીડર ક્રાંતિકારી યુવાનો જોડાયા હતા. જામનગરમાં ભાવેશભાઈ ઠુમ્મરના ઘરેથી ગોડસે ગાથા શરુ કરીને અલગ-અલગ વિસ્તારો, ગામડાઓ, જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવાનો સંકલ્પ હિંદુ સેનાએ લીધો હતો.

હિન્દુ સેના દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ, શહેર પ્રમુખ દીપક પિલ્લે સહિતના યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૮ નવેમ્બર ૧૯૪૯ના રોજ અદાલતમાં ગોડસેએ આપેલું છેલ્લું નિવેદન ગોડસે ગાથામાં જાહેર કરવામાં આવ્યું  હતું. અગા ઉ હિંદુ સેનાએ ગોડસેની પ્રતિમા મોર્કન્ડામાં મૂકી હતી.

હિન્દુ સેના દ્વારા જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલા સંપતબાપુના આશ્રમની જગ્યામાં તારીખ ૧૫ નવેમ્બરના રોજ નથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી.જેથી કોંગ્રેસના શહેર પ્રમુખ દીગુભા જાડેજા અને કોંગ્રેસી કોર્પોરેટર ધવલ નંદાએ નથુરામ ગોડસેની પ્રતિમાને પથ્થરો મારીને તોડી પાડી હતી. આ મામલે સંસ્થા અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સામસામી લાગણી દૂભાવવાની અને ધાર્મિક લાગણી દૂભાવવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંન્ને પક્ષે ધરપકડો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *