આજે પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓના કારણે તે ફ્લાયઓવર પર ૨૦ મિનિટ માટે અટવાઈ ગયા હતા, આ ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી છે. આ ઘટનાને પગલે SSP ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખરાબ હવામાનને કારણે પીએમનો કાફલો હેલિકોપ્ટરના બદલે ભટિંડા એરપોર્ટથી રવાના થયો હતો. પીએમ મોદી પહેલા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પહોંચવાના હતા. જો કે આના લગભગ 30 મિનિટ પહેલા વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો. કેટલાક દેખાવકારોએ રસ્તો બ્લોક કરી દીધો હતો.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, અમે PMOને ખરાબ હવામાનની સ્થિતિ અને વિરોધના કારણે યાત્રા રોકવાનું કહ્યું હતું. અમને વડાપ્રધાન મોદીના કાફલામાં એકાએક આવેલા ફેરફાર અંગે કોઈ જ સુચના અપાઈ ન હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ જ ગફલત નથી થઈ. જો આજે PM મોદીની મુલાકાત દરમિયાન કોઈ પણ ચૂક રહી હશે તો અમે તેની તપાસ કરાવીશું. વડાપ્રધાનને કોઈ જ ખતરો ન હતો.’
જે.પી. નડ્ડાએ ટ્વીટ કરી દાવો કર્યો કે જ્યારે PM મોદીનો કાફલો રોડ પર ફસાયેલો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો. નડ્ડાએ એક પછી એક અનેક ટ્વીટ કર્યા. તેઓએ લખ્યું, ‘પંજાબમાં આવતી ચૂંટણીમાં કારમી હાર ભાળી ગયેલી કોંગ્રેસની સરકારે PMનો કાર્યક્રમ રદ કરાવવા દરેક શક્ય એવા પ્રયાસો કર્યા. આવું કરતા સમયે તેઓને તે પણ યાદ ન આવ્યું કે PM મોદી ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના છે તેમજ વિકાસ કાર્યોની આધારશિલા મુકવાની છે.’
નડ્ડાએ વધુમાં આક્ષેપ કર્યો કે, પોતાની આવી નીચલા લેવલની હરકતે પંજાબની કોંગ્રેસ સરકારે દેખાડી દીધું કે તેઓ વિકાસના વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ તેમના મનમાં કોઈ માન-સન્માન નથી.
ગૃહ મંત્રાલય મુજબ, PM મોદીના કાર્યક્રમ અને મુલાકાત અંગે પંજાબ સરકારને પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી. એવામાં નિયમો મુજબ રાજ્યને સુરક્ષાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની પણ જરૂરિયાત હતી. સાથે જ આકસ્મિક પ્લાનને જોતા પંજાબ સરકારે સડક માર્ગ પર વધારાની સુરક્ષા તહેનાત કરવાની હતી પરંતુ આવું કંઈ જ ન થયું. આ સુરક્ષા ચૂક પછી કાફલાને ભટિંડા એરપોર્ટ પર પરત લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો.
ગૃહ મંત્રાલયે સુરક્ષા ચૂક મામલે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે. રાજ્ય સરકારે પણ આ ભૂલની જવાબદારી નક્કી કરવા અને કડક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય કક્ષાની સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા બાદ પીએમ મોદીએ પંજાબના અધિકારીઓને કહ્યું કે, “તમારા સીએમનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.”