ભારતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જાન્યુઆરીના એક જ સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસ પાંચ-સાત હજારથી વધીને ૧.૩૦ લાખની નજીક પહોંચી ગયા છે ત્યારે સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી બે સપ્તાહમાં દેશમાં પરિસ્થિતિ હાથ બહાર જતી રહેશે. લોકોએ આત્મસંતુષ્ટ થવું જોઈએ નહીં. દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે પણ ચેતવણી આપતા કહ્યું કે, દેશમાં આગામી દિવસોમાં કોરોનાના દૈનિક આંકડા ૪થી ૮ લાખ સુધી નોંધાઈ શકે છે.
દેશમાં એક અગ્રણી હોસ્પિટલનાં ડોક્ટર સુશીલા કટારિયાએ ચેતવણી આપતા જણાવ્યું કે, લોકોએ આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી, કારણ કે આગામી બે સપ્તાહમાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ જ દિવસમાં કોરોનાના કેસમાં પાંચ ગણો વધારો થઈ ગયો છે. કોરોના માત્ર ફ્લૂ નથી કે માત્ર પસાર થઈ જશે. આપણે ગયા વર્ષે પણ કોરોનાની બીજી લહેરની સ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ. અહેવાલો બતાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓછો ખતરનાક છે, પરંતુ તેની સંપૂર્ણપણે અવગણના કરી શકાય નહીં. બીજી લહેર સમયે દરેક ૧૦મી વ્યક્તિએ હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.
નિષ્ણાતોએ જણાવ્યું કે ઓમિક્રોનના કારણે મોત નથી થતા તેવા અહેવાલો ખોટા છે. ઓમિક્રોનના કારણે પણ કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે. આ એક માઈલ્ડ વાઈરસ હોઈ શકે છે, પરંતુ તેનાથી આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી. ડૉ. સુશીલા કટારિયાએ કહ્યું કે કોરોનાના ચેપની માહિતી માત્ર આરટી-પીસીઆર ટેસ્ટ અથવા એન્ટીજેન અથવા રેપિડ ટેસ્ટથી જ થઈ શકે છે. તેથી કોઈને પણ શ્વાસ લેવામાં તકલીફ અથવા શરીરમાં દુઃખાવો થતો હોય તો તેને કોરોના સંબંધિત બીમારી સમજવી જોઈએઅને પોતાને આઈસોલેટ કરી ટેસ્ટ કરાવવા જોઈએ.
આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, ત્રીજી લહેરના પીકના સમયમાં કોરોનાના દૈનિક કેસ ૪થી ૮ લાખ સુધી નોંધાઈ શકે છે. આ મહિનાના મધ્ય સુધીમાં મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના નવા કેસની પીક જોવા મળી શકે છે. ત્રીજી લહેર ઓમિક્રોન વેરિઅન્ટના કારણે તિવ્ર ગતિએ ફેલાશે. જોકે, તેમણે રાહતના સંકેત આપતા કહ્યું કે દેશમાં માર્ચ પછી ત્રીજી લહેર રહેવાની શક્યતા ઓછી છે. દરમિયાન મિશિગન યુનિવર્સિટીમાં બાયોસ્ટેટિસ્ટિક્સનાં પ્રોફેસર ભ્રમર મુખરજીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં બીજી લહેરમાં માર્યા ગયેલા દર્દીઓની સરખામણીમાં ત્રીજી લહેરમાં ૫૦ ટકા લોકોના મોત થવાની આશંકા છે.