ગુજરાતની જાણીતી લોકગાયિકાએ તેના ગલુડિયાનો બર્થ ડે ઉજવીને વિવાદ પેદા કર્યો

જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી વિવાદમાં આવી છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને પોતાના પોમેરિયન બીડના ગલુડિયાનો બર્થ ડે ઉજવીને વિવાદ પેદા કર્યો છે. આ મામલે પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ પાર્ટી મામલે નિકોલ પોલીસે ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરી છે. આ તમામ પાર્ટીના આયોજક મનાય છે. કાજલ મહેરીયા પોતે પણ પાર્ટીમાં હાજર હતી તેથી તેની પણ ધરપકડ થઈ શકે છે.

અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં લોકોના ટોળાં ઉમટતાં કાજલ મહેરીયા સામે કેસ કરવાની માંગ ઉઠી હતી. તેના પગલે પોલીસે એક્શનમાં આવીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ પોમેરિયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે અંદાજે રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

લોકગાયિકા કાજલ મહેરીયાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એબ્બીનો બર્થ ડે ઉજવ્યો હતો. નિકોલના મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ કાજલ મહેરિયાએ એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કર્યું હતું. પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર એબ્બી સાથે કાજલ મહેરિયાની મોટી સાઈઝની તસવીરો મૂકાઈ હતી.  બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ ગીત ગાયાં હતાં. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉણટી પડ્યાં હતાં. લોકોએ પણ કાજલ મહેરીયાના સૂરના તાલે રાસની રમઝટ બોલાવીને બર્થ ડેની ઉજવણી કરી હતી.

આ પાર્ટીની તસવીરો વાયરલ થતાં તેની સામે પગલાંની માગ થઈ રહી છે. આ ગલુડિયું કાજલ મહેરીયાનું હોવાથી અને તેની પણ પાર્ટીમાં હાજરી હોવાથી તેની પણ ધરપકડના ભણકાર વાગી રહ્યા છે. કાજલ મહેરીયા આ પહેલાં પણ કોરોના કાળમાં લોકોની ભીડ જમાવીને નિયમોનો ભંગ કરવા બદલ બે વાર વિવાદ પેદા કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *