રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શનિવારે સવારે ગાંધીનગરથી લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેણે અમદાવાદ–રાજકોટ હાઇવેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ પંકજ કુમારે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી ગુણવત્તા માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ બગોદરા તારાપુર ૬ લેન માર્ગ તદનુસાર અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને ૬ માર્ગીય રસ્તો કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તાની માહિતી મેળવવા મોટર માર્ગે જુદા જુદા સ્થળોએ માર્ગ નિર્માણ કામગીરી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાઈવે પર આવેલી એક હોટલમાં ચા પણ પીધી હતી. મુખ્યમંત્રીને આ રીતે હાઈવેની હોટલમાં ખાટલા પર ચા પીતા જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ રોડના કામમાં વપરાતા મટિરિયલની પણ તપાસ કરી હતી અને તેની જાણકારી મેળવી તથા રોડના બાંધકામમાં વપરાતી મશિનરીનું પણ નિરક્ષણ કર્યું હતું.
ઉપરાંત મુખ્યમંત્રીએ બગોદરા તારાપુર ૬ લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કેટલું આગળ વધ્યું છે તેની પણ જાણકારી મેળવી હતી.