કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસોના જોખમ વચ્ચે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને આ સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્ર અન્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર પાંડે સાથે વિજ્ઞાન ભવન પહોચી પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી.
સીઈસી સુશીલ ચંદ્રએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ વખતે ૫ રાજ્યોના ૬૯૦ વિધાનસભા ક્ષેત્રો માટે ચૂંટણી થશે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ સેફ ઈલેક્શન કરાવવાનો છે અને કોરોના કાળમાં ચૂંટણી યોજવી તે એક પડકાર સમાન છે.
સીઈસી સુશીલ ચંદ્રએ જણાવ્યું કે, ૫ રાજ્યોની ચૂંટણીમાં કુલ ૧૮.૩૪ કરોડ મતદારો છે જેમાં સર્વિસ મતદારોનો પણ સમાવેશ થાય છે. તેમાં ૮.૫૫ કરોડ મતદારો મહિલા છે. જ્યારે કુલ ૨૪.૯ લાખ મતદારો પોતાના મતાધિકારનો પ્રથમ વખત પ્રયોગ કરશે. તેમાં ૧૧.૪ લાખ યુવતીઓ પ્રથમ વખત મતદાર બની છે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે જેથી લોકોને સુવિધા રહે. બૂથ પર સેનિટાઈઝર, માસ્કની વ્યવસ્થા રાખવામાં આવશે.