અમદાવાદમાં ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાશ, પોલીસે ૩ કૌભાંડીઓને ઝડપી ૨૪૮ બાટલા કર્યા કબજે

અમદાવાદમાં LPG ગેસ સિલિન્ડર ગ્રાહકોને ઓછા વજન વાળા ગેસ સીલીન્ડર પધરાવવાનું મોટા પાયે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચાલતા ગેસ ચોરીના કૌભાંડમાં ઇસનપુર પોલીસે બાતમી આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ બહાર આવ્યું છે. ઇસનપુર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા ત્રણેય કૌભાંડીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં ત્રણેય આરોપીઓમાંથી મુખ્ય આરોપી રાજુ શ્રીવાસ્તવ નામનો વ્યક્તિ છે. જે મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સીના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડરમાંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા છાપતો હતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રીવાસ અને અજય યાદવ ગેસ સિલિન્ડરો ને ખાલી કરી વેચવામાં મદદગારી કરતા હતા.

પોલીસે ૨૪૮ જેટલા ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા.આ ગેસ સિલિન્ડરની અંદાજિત કિંમત ૫ લાખથી વધુની માનવામાં આવી રહી છે. તેમજ રીફલિંગ કરવા ઉપયોગમાં લેવાતા સાધનો અને મોટર પણ કબજે કરી છે. જેનાથી સાબિત થયું કે આરોપીઓએ બનાવેલ ગોડાઉનમાં તેઓ ગેસ સિલિન્ડર રીફલિંગ કરવાનું કામ કરતા હતા.

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. ઇસનપુર પોલીસને આ અંગે પાક્કી માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે રેડ કરી અને ૨૪૮ ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. તેમજ ૩ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.  પોલીસે ઝડપેલા આ ત્રણે આરોપીઓ છેલ્લા એકાદ વર્ષ થી ગેસ સિલિન્ડર ચંડોળા તળાવ પાસે રાખતા હતા અને ત્યાંથી જ રીફલિંગ કરી અલગ અલગ જગ્યાએ વહેંચણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *