દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હાલ માટે તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી ખાનગી ઓફિસોને જ ખોલવાની મંજૂરી છે.દિલ્હીમાં DDMA ના આદેશ બાદ ખાનગી ઓફિસના કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત દિલ્હીના તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસોની સંખ્યાના આધારે DDMA આગામી દિવસોમાં વધુ કડક નિયંત્રણો લાદી શકે છે.
દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા લોકોની અને સરકારની ચિંતા પણ વધી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૫,૬૮,૮૯૬ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે સ્પષ્ટતા કરી કે હજુ સુધી કોઈ લોકડાઉન થશે નહીં. સોમવારે, દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના ૧૯,૧૬૬ નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોનાથી ૧૭ લોકોના મોત નીપજ્ય હતા. જેથી સકારાત્મકતા દર વધીને ૨૫ ટકા થયો હતો, જે ગયા વર્ષની ૪ મે પછી સૌથી વધુ છે.
દિલ્હીમાં જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ સોમવારે ઓછા કેસ જોવા મળ્યા હતા કારણ કે અગાઉના દિવસે કરાયેલા પરીક્ષણોની સંખ્યા એક દિવસ પહેલા કરતા ઓછી હતી. હાલમાં ૧,૯૧૨ કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ છે. તેમાંથી ૬૫ વેન્ટિલેટર પર છે.