છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. વડોદરામાં કથિત દુષ્કર્મ બાદ ટ્રેનમાં આપઘાતની ઘટનાનો કેસ હજુ સુધી ઉકેલાયો નથી તેવામાં વડોદરામાં વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની છે.
વડોદરાના ન્યુ. વી.આઇ પી રોડ પાસેના પાર્કિંગના બસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના ઘટી છે. ત્રણ હવસખોરોએ સગીરાને ન્યુ.વી.આઇ.પી રોડ પાસેના પાર્કિંગમાં લઇ ગયા . જેમાંથી એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું, જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે વોચ રાખી હતી. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની લાજ લૂંટાઈ હતી. ઘટનાને પગલે સગીરાએ પરિવારને જાણ કરતા ૩ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હરણી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે શરૂઆતમાં ૪ દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ રેલવે સ્ટેશન પર મૂળ નવસારીની અને વડોદરામાં રહેતી યુવતીની દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D૧૨ નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના ૨ દિવસ પૂર્વે વડોદરાના ૨ રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જો કે FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ થયુ ન હોવાનુ તારણ સામે આવતા કેસ ગુંચવાયો છે.