શહેરમાં થોડા દિવસ અગાઉ ઇન્કમટેક્સ ખાતે એક આંગડીયા પેઢીના કર્મચારીને ગોળી મારી લુંટ કરવામાં આવી હતી. ત્યાર બાદ વસ્ત્રાપુરમાં લૂંટની ઘટના સામે આવી છે. અંધજન મંડળ પાસેથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખીને રૂપિયા ૫ લાખ ૧૦ હજાર રોકડા લઈ બે લુંટારૂઓ ફરાર થઇ ગયા છે.
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો જાફર શેખ જે છેલ્લા ૨ વર્ષથી સુપરવાઈઝર તરીકે કુરિયર કંપનીમાં કામ કરે છે. ઓફિસમાં ડિલિવરી બોય પાસેથી રોકડ રકમ મેળવીને ઘરે જઈ રોકડની ગણતરી કરી બીજે દિવસે બેંકમાં ડીપોઝીટ કરે છે. ગઈકાલે મોડીરાત્રે ૧૩૨ ફૂટ રીંગ રોડ પરથી ઓફિસના રૂપિયા ૫ લાખ ૧૦ હજાર બેગમાં મૂકીને ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે અંધજન મંડળની સામે આવેલી સમરસ હોસ્ટેલ પાસે રાત્રિમાં ૧૧:૧૫ વાગ્યાની આસપાસ એક બાઈક ચાલકે પાછળથી આવીને તેની એક્ટિવાને સામાન્ય ટક્કર મારી હતી. જોકે જાફર શેખ પડતા પડતા રહી જતા તેણે એક્ટિવા ઊભું રાખી દીધું હતું. જ્યારે આ બાઈક ચાલક એક્ટિવાની બ્રેક કેમ મારી તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો.
એવામાં અન્ય એક શખ્સ ચાલતો ચાલતો આવ્યો હતો અને શું થયું, કેમ ઝઘડો છો કહીને ફરિયાદી યુવકની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. બાદમાં બંને શખ્સો જાફર શેખ પાસે થી રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા હાલમાં પોલીસ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.