LRD અને PSIની પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખો રૂપીયાનું કૌભાંડ આચરાયાનું બહાર આવ્યું છે. રાજકોટની ગાંધીગ્રામ પોલીસે કૌભાંડ આચરનાર જૂનાગઢની ક્રિષ્ના શાહ અને જામનગરના જેનીશ પરસાણા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં 12 જેટલા લોકો પાસેથી છેતરપિંડી કરીને રુપિયા 15 લાખથી વધારેની રકમ ઉઘરાવી હતી. 15 જાન્યુઆરીએ પરિણામ જાહેર થયા બાદ નાણાં આપનારના નામ શારિરીક કસોટી પાસ કરનાર ઉમેદવારોની યાદીમાં ન આવતા છેતરપિંડીની જાણ થઇ હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, જે કોઇ આ પ્રકારની લાલચમાં આવીને છેતરાયા હોય તેમણે પોલીસને જાણ કરવી. તેમજ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે, જે કોઇ સાથે આ રીતે છેતરપિંડી થઇ હોય તેમણે સંબંધિત જિલ્લા/ શહેર પોલીસનો સંપર્ક કરવો અથવા ભરતી બોર્ડની ઓફિસનો સંપર્ક કરવો.