દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાન તેજગતિથી ચાલી રહ્યું છે. આ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૧૫૮ કરોડ ૭૪ લાખથી વધુ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે દેશભરમાં ૭૯ લાખ ૯૧ હજાર ૨૩૦ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય વિભાગના આંકડાઓ પરથી ૧૫થી ૧૮ વર્ષના તરૂણ-તરૂણીઓને ૩ કરોડ ૧૭ લાખ ૩૨ હજાર ૬૭૨ ડોઝ આપવામાં આવ્યા છે.
જેના પરથી કહી શકાય કે, દેશમાં ૧૫થી ૧૮ વર્ષના તરૂણ-તરૂણીઓની ૫૦ ટકા વર્ગમાં રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટવીટ કરીને કહ્યું કે, કોરોનાના મહામારી વિરૂદ્ધ ભારતની લડાઈમાં આ મોટો દિવસ છે. ૧૫-૧૮ વર્ષના ૫૦ ટકાથી વધુ તરૂણોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રસીકરણને લઈ તમારો ઉત્સાહ સમગ્ર દેશને એક નવી જ પ્રેરણા આપી રહ્યું છે.