એક કા ડબલની સ્કીમમાં લાલચ આપી ૨.૯૨ કરોડ પડાવી સંચાલક પલાયન

ફાઈનાન્સનું લાઈસન્સ ધરાવીને મંજુરી મેળવી ચિરાગ મિત્ર મંડળના નામે સ્કીમો ચલાવતો સ્કીમ સંચાલક ૫૩૫ લોકોના ૨૦૯૨ કરોડ રૂપિયા ઓળવીને પલાયન થયાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે. મહેશ ભદ્રા નામના સંચાલકે બહેરામપુરા, વટવા, નિકોલ સહિત છ સ્થળે ઓફિસો ખોલી અને પાલડી, ચાંદખેડા સહિત ૧૯ વિસ્તારોમા એજન્ટો નિમીને મંથલી બચત અને એક કા ડબલ સ્કીમ ચાલુ કરી હતી.

સ્કીમ પૂર્ણ થઈ અને પૈસા પરત કરવાના આવ્યા ત્યારે કોરોનાના નામે એક મહિનાનો સમય મેળવનાર જુન મહિનાના અંત ભાગમાં મહેશ ભદ્રા પલાયન થઈ ગયો હતો. આખરે, એક એજન્ટે ફરિયાદ નોધાવતા ક્રાઈમ બ્રાન્ચે મહેશ ભદ્રાની શોધખોળ શરૂ કરી છે. તેના પુત્ર ચિરાગ અને પુત્રી મમતાની અટકાયત કરી તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મહેશ ભદ્રાએ ચિરાગ મિત્ર મંડળ નામની સ્કીમમાં સભ્યો બનાવ્યાં હતાં. મહિને ચોક્કસ રકમ ઉઘરાવી અમુક મહિનાની સ્કીમ ચલાવતા હતા. રજીસ્ટર્ડ કરેલી ચિરાગ મિત્ર મંડળની સ્કીમમાં દર મહિને એક લકી ડ્રો રાખવામાં આવતો હતો. વિજેતા થનારને અલગ અલગ રકમ ઈનામ આપવામાં આવતી હતી. જેમનું નામ ડ્રોમાં આગળ – પાછળનું નામ હોય તેમને પણ પ્રોત્સાહન ઈનામ અપાતા હતા.

સ્કીમો એજન્ટ મારફતે ચલાવાતી હતી. મંથલી બચત જેવી સ્કીમમાં એજન્ટે પૈસા પણ ઉઘરાવી લાવવાના હતા અને સભ્યદિઠ 100 રૂપિયા કમિશન નક્કી કરાયું હતું. ૧૦૦ રૂપિયા વધારે ભરે તે સભ્યનું મત્યુ થાય તો પરિવારને ૩ લાખનો વિમો ચૂકવાશે તેવી જાહેરાત કરાઈ હતી.

જ્યારે એક કા ડબલની સ્કીમમાં કુલ ૬૦ સભ્ય થયા હતા. આ પૈકી પચ્ચીસ મહિના સુધી દરેક સભ્યોને બે લાખ પરત મળ્યા હતા. આ પછી જેમને બે લાખ રૂપિયા ચૂકવવાના હતા તેમણે ચેક માંગતા મહેશભાઈએ પોતાને કોરોના થયો હોવાથી એક મહિના પછી ચેક ભરવા જણાવ્યું હતું.

સ્કીમમાં કુલ 535 સભ્યો બનાવી કુલ ૨.૯૨ કરોડની રકમ મેળવ્યા પછી લાપતા થયેલા સ્કીમ સંચાલક મહેશ ભદ્રા સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એસ.એમ. પટેલે જણાવ્યું કે, સ્કીમમાં ઉઘરાવેલા નાણાં મહેશ વ્યાજમાં ફેરવતો હતો તે ચક્કર તૂટતાં ભાગ્યો હોવાની વિગતો છે. હાલમાં તેના પુત્ર ચિરાગ અને પુત્રી મમતાની ધરપકડ કરાઈ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *