ભારતમાં કોરોના મહામારીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે,
વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે આ મહિનામાં જ કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે અને દેશભરમાં દૈનિક કેસો ચાર લાખની આસપાસ પહોંચી જશે. હાલ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૮૨ લાખ કેસો સામે આવ્યા છે જે ૨૩૨ દિવસમાં સૌથી વધુ છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં ૪૦ હજારથી વધુનો ઉછાળો આવ્યો છે.
દેશભરમાં એક્ટિવ કેસો પણ વધીને ૧૮.૩૧ લાખને પાર પહોંચી ગયા છે જે ૨૩૨ દિવસમાં સૌથી વધુ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૪૪૧ લોકોના મોત નિપજ્યા છે.
વૈજ્ઞાાનિક મનીન્દ્રા અગ્રવાલના જણાવ્યા અનુસાર દેશના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટકા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણામાં આ સપ્તાહમાં જ કોરોનાની ત્રીજી લહેર પીક પર આવશે. જ્યારે આંધ્ર પ્રદેશ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આગામી સપ્તાહથી કેસો પીક પર આવશે અને સંખ્યા હાલ કરતા અનેકગણી વધારે હશે. અગ્રવાલ સુત્ર કોવિડ મોડલ રીસર્ચ સાથે પણ જોડાયેલા છે કે જે કોરોનાની આગાહી આંકડાઓના આધારે કરતા આવ્યા છે. બીજી તરફ મસૂરીના લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીમાં ૮૪ આઇએએસ ટ્રેનીને કોરોના થયો છે. ૪૮૦ અધિકારીઓનું એક ગુ્રપ ગુજરાતથી મસૂરી ટ્રેનિંગ માટે રવિવારે પહોંચ્યું હતું. જેમનો ટેસ્ટ કરાતા ૮૪નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રસીની અસર કેટલા સમય સુધી રહે છે તેને લઇને એક રીસર્ચ હાથ ધરાયું હતું. ભારતમાં હાથ ધરાયેલા આ રીસર્ચમાં સામે આવ્યું છે કે રસી લીધા પછી જે એન્ટીબોડી બને છે તે છ મહિના સુધી રહે છે. એટલે કે રસી લીધા પછી ઇમ્યૂનિટી છ મહિના સુધી જ રહે છે. હૈદરાબાદ સ્થિત એઆઇજી હોસ્પિટલ અને એશિયન હેલ્થકેર દ્વારા મળીને આ રીસર્ચ હાથ ધરાયું હતું.