ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી છે.જોકે, આજે અચાનક જ ભાજપ પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલે આદેશ કરતાં બોર્ડ નિગમના ચેરમેનોને રાજીનામા આપી દીધા હતા. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માનીતા ચેરમેનોને બોર્ડ નિગમોમાંથી વિદાય આપવામાં આવી છે.
સમય અવધિ પૂર્ણ થઇ હોવા છતાંય ચેરમેનના નામે પક્ષનું કામ કરવાને બદલે માત્ર વ્યક્તિગત કામો કરાવતા અને રાજકીય વૈભવ ભોગવતાં ચેરમેનોના રાજીનામા લઇ લેવાતાં ભાજપમાં હડકંપ મચ્યો છે. હવે બોર્ડ નિગમમાં પાટીલ ચેરમેનપદે કોની નિયુક્તિ કરશે તે અંગે અત્યારથી જ અટકળો જામી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બરમાં યોજાશે જેના ભાગરૂપે ભાજપે બોર્ડ નિગમોમાં નવી નિયુક્તિ કરવા રણનીતિ અપનાવી છે કેમ કે, છેલ્લા કેટલાંય વખતથી કેટલાંય બોર્ડ નિગમોમાં આઇએએસ અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે જયારે કેટલાંક બોર્ડ નિગમમાં સમય અવધિ પૂર્ણ થઇ ચૂકી હોવા છતાં ય ચેરમેન,વાઇસ ચેરમેન કાર્યરત રહ્યા છે.
ભાજપ જાતિગત સમીકરણ આધારે બોર્ડ નિગમમાં નિયુક્તિ કરીને નારાજ નેતાઓ જ નહીં, તમામ જ્ઞાાતિઓને પણ સાચવી શકે છે. એવી ય જાણકારી મળી છેકે, મંત્રીમંડળની જેમ બોર્ડ નિગમના ચેરમેનની નિયુક્તિમાં ય નો રિપિટ થિયરી લાગુ થઇ શકે છે. નવાને ચાન્સ આપીને પ્રદેશ નેતાગીરી બધાયને રાજી રાખવા પ્રયાસ કરશે. આ કારણોસર આજે અચાનક જ કમલમથી આદેશ છૂટયો હતો જેથી
ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,બિન અનામત નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરા, મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા, સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ, બિન અનામત નિગમના વાઇસ ચેરમેન વિમલ ઉપાધ્યાયે મુખ્યમંત્રીને મળીને રાજીનામા આપ્યા હતાં.
પાંચ બોર્ડ નિગમના ચેરમેનોએ રાજીનામા આપતાં ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું. હવે આ બોર્ડ નિગમોનો વહીવટ આઇએએસ અધિકારીઓ સંભાળશે.
એવી પણ માહિતી મળી છેકે, બના અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગુજરાત વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત અને ૨૦ મુદ્દા અમલીકરણ સમિતીના અધ્યક્ષ આઇ.કે.જાડેજાનેપણ રાજીનામા આપી દેવા આદેશ કરાયો છે જેથી એકાદ બે દિવસમાં વધુ ચેરમેનો રાજીનામા આપી શકે છે.
સૂત્રોના મતે, બોર્ડ નિગમના ચેરમેન,વાઇસ ચેરમેન પદે કોની નિયુક્તિ કરવી તે અંગેની યાદી પણ અંદરખાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તૈયાર રાખી છે. પાટીલના આદેશના પગલે બોર્ડ નિગમોના ચેરમેનોએ બંગલા ખાલી કરવા તૈયારીઓ શરૂ કરી છે