પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ તૈયારીઓમાં જોવા મળી રહ્યું છે. ગોવા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સીએમ પ્રમોદ સાવંત સાંખલીથી ચૂંટણી લડશે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે.
ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને પણજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી. ત્યાંથી વર્તમાન ધારાસભ્ય અતાનાસિયો મોન્ટસેરાતને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગોવાના લોકોએ જોયું છે કે છેલ્લા દસ વર્ષથી ભાજપ સરકારે સ્થિરતા અને વિકાસ આપ્યો છે. ગોવાનો ચહેરો બદલાઈ ગયો. મનોહર પર્રિકરથી લઈને વર્તમાન સીએમ પ્રમોદ સાવંત સુધી ભાજપે સારી ઈમેજવાળા સીએમ આપ્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ગોવાની છબી ખરાબ કરી છે અને તેઓ માત્ર લૂંટની રાજનીતિ માટે સત્તા ઈચ્છે છે.
ટીએમસી અને એમજીપીના ગઠબંધનનો ઉલ્લેખ કરતા ભાજપના નેતાએ કહ્યું કે ટીએમસી સૂટકેસના આધારે વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે જે ગોવાના લોકોને પસંદ નથી. તેમણે કહ્યું કે લોકો સમજે છે કે ટીએમસીનું વલણ હિન્દુ વિરોધી, રાષ્ટ્ર વિરોધી અને લોકશાહી વિરોધી છે. દેવેન્દ્ર ફડણવીસે આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધતા કહ્યું કે આમ આદમી પાર્ટી સવારથી સાંજ સુધી રાબેતા મુજબ ખોટું બોલે છે. આ પાર્ટી જુઠ્ઠાણાના પાયા પર ઉભી છે. ગત ચૂંટણીમાં પણ લોકોએ તમને નકાર્યા હતા, આ વખતે પણ તમને નકારશે.