T-20 વર્લ્ડ કપ 2021નો માહોલ ઠંડો નથી પડ્યો તેટલામાં ICCએ ટી-20 વર્લ્ડ કપ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે જે 13 નવેમ્બર 2022 સુધી ચાલશે. આ કાર્યક્રમ મુજબ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાનની વિરુદ્ધ 23 ઓક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
ઓસ્ટ્રોલિયાના સાત શહેરને ટી-20 વર્લ્ડ કપ 2022 માટે પસંદ કરાવામાં આવ્યા છે. ICC ટી-20 વર્લ્ડ કપ 2021નું સમાપન દુબઈમાં થયું હતુ. જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતુ. ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 45 મેચ ઓસ્ટ્રોલિયાના 7 અલગ-અલગ શહેર- એડિલેડ, બ્રિસ્બેન, જિલોંગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે.
સુપર 12 માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ 1માં હાલ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ છે. ત્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ છે. આ 8 ટીમ સિવાય વધુ 4 ટીમ ફર્સ્ટ રાઉન્ડના પરિણામ બાદ સુપર 12માં એન્ટર થશે. ટી20 વિશ્વ કપની છેલ્લી સિઝનની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. જેમની વચ્ચે 45 મેચ રમાશે.
ભારત માત્ર 4 શહેરોમાં જ રમશે પોતાની મેચ
સુપર 12ની મેચ 22 ઓક્ટોબરથી શરૂ થઈ 6 નવેમ્બરે પરિણામ સુધી પહોંચશે. સુપર 12ની મેચ બ્રિસબેન, પર્થ, એડિલેડ, સિડની અને મેલબોર્નમાં રમાશે. ત્યારે હોબાર્ટ અને ગિલોન્ગ ફર્સ્ટ રાઉન્ડના મેચની મેજબાની કરશે. ભારતની તમામ મેચ મેલબોર્ન, સિડની, પર્થ અને એડિલેડમાં રમાશે. એટલે કે ભારતીય ટીમ સુપર 12 સુધી બ્રિસબેનમાં કોઈ મેચ નહીં રમે.
ટૂર્નામેન્ટમાં ભારતનો સમગ્ર કાર્યક્રમ
ટી20 વિશ્વ કપમાં ભારત પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. MCG પર રમાનારી આ મેચ બાદ 27 ઓક્ટોબરે બીજી મેચ ફર્સ્ટ રાઉન્ડના ગ્રુપ એની રનરઅપ ટીમ સાથે સિડનીમાં થશે. 30 ઓક્ટોબરે ભારત ત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે પર્થમાં રમશે. ત્યારે 2 નવેમ્બરે પોતાની ચોથી મેચમાં એડિલેડમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જ્યારે સુપર 12ની છેલ્લી મેચ ભારત 6 નવેમ્બરે ગ્રુપ બીની રનરઅપ ટીમની સાથે મેલબોર્નમાં રમશે.
3 મેદાન પર થશે નોકઆઉટ મુકાબલા
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 9 નવેમ્બરે ટી20 વિશ્વ કપની પ્રથમ સેમિફાઈનલ મેચ રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ એડિલેડ ઓવલ પર રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 1 લાખ દર્શકોની ક્ષમતાવાળા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.