જામનગરમાં કોરોના ઘાતક બન્યો: બે મહિલા દર્દીઓના કોરોનાથી મૃત્યુને લઈને ભારે ફફડાટ

જામનગર શહેરમાં સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા બે વૃદ્ધ મહિલા દર્દીઓએ દમ તોડી દીધો છે, જેના કારણે શહેરમાં કોરોનાના મામલે ભયનો માહોલ સર્જાયો છે.

જામનગરના આનંદ કોલોની શેરી નંબર -8 જૂની ડેન્ટલ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા અરુણાબેન દિલીપભાઇ ત્રિવેદી નામના 70 વર્ષીય વૃદ્ધ મહિલા અને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હીરીબેન માવજીભાઈ ચોવટિયા નામના 72 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓને કોરોનાની સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે અને કોરોનાની ગાઈડલાઈન મુજબ અગ્નિ સંસ્કાર આપવા માટેની વ્યવસ્થા કરાઈ છે.

આજે સવારે એકીસાથે કોરોનાગ્રત બે મહિલા દર્દીઓના મૃત્યુને લઈને શહેરમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં કોરોના થી કુલ પાંચ દર્દીઓના મૃત્યુને લઈને ભારે ફફડાટ મચી ગયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યા પછી આજે તેમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, અને જામનગર શહેરના છેલ્લા 24 કલાક દરમિયાન 138 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન 203 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના કેસ મામલે ઘણી રાહત જોવા મળી છે, અને માત્ર 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 32 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોળ માં -2, જોડિયામાં-2, જામનગર તાલુકામાં-8, જામજોધપુરમાં -15, કાલાવડમાં -13, અને લાલપુરમાં 2, સહિત 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *