જામનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીઓં

જામનગરમાં મેહુલ નગર નજીક શિવમ પાર્ક વિસ્તારમાં રહેતા એક બ્રાસપાર્ટના ઉદ્યોગપતિના રહેણાંક મકાનમાંથી કટકે-કટકે થયેલી ૩૦ લાખની રોકડ રકમ અને સોનાના દાગીનાની માતબર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે અને ઉદ્યોગપતિના ભાણિયાને જ પકડી પાડયો છે અને રોકડ રકમ અને સોનાના દાગીના સહિતની ચોરાઉ સામગ્રી કબજે કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી મામાની ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવીને કટકે-કટકે ચોરી કરી જતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

બનાવની વિગત એવી છે કે જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં શિવમપાર્ક પ્લોટ નંબર-૩માં રહેતા અને ઉદ્યોગનગરમાં બ્રાસપાર્ટની ફેક્ટરી ધરાવતા નિલેશભાઈ લવજીભાઈ દોમડીયા નામના ઉદ્યોગપતિના રહેણાંક મકાનમાંથી તિજોરીમાં રાખેલી રૂપિયા ૩૦ લાખની રોકડ રકમ બે લાખ ત્રીસ હજારની કિંમતના સોનાના દાગીના, અને મોબાઈલ ફોન સહિતની સામગ્રીની ચોરી થઇ ગઇ હતી.  જે અંગેનું નિલેશભાઈને જાણવા મળતાં તેઓએ તુરત જ સીટી-સી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના રહેણાંક મકાનમાંથી કુલ ૩૨ લાખ ને ૫૦.૦૦૦ હજાર ની માલમતાની ચોરી થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસમાં ઝુકાવ્યું હતું, અને સીસીટીવી કેમેરાઓ વગેરે ચેક કર્યા હતા. જેમાં ઉંડાણપૂર્વકની તપાસ દરમિયાન ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૧ થી ગઈકાલ સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ ત્રણ સમયે રહેણાંક મકાનનું ડુપ્લિકેટ ચાવી વડે તાળું ખોલીને અંદરથી ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને ઉદ્યોગપતિ નિલેશભાઈ દોમડીયાના ભાણેજ જામનગર નજીક દરેડ ફેસ-ટુમાં મારૂતિ રેસિડેન્સીમાં રહેતા જસ્મીન મનસુખભાઈ વિરાણીનું આ કારસ્તાન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે જામનગર તાલુકાના ફાચરીયા ગામનો વતની છે, અને હાલ દરેડ વિસ્તારમાં રહે છે. જે પોતાના મામાના ઘેર અવર-જવર કરતો હતો.

જે દરમિયાન મકાનની ચાવી મેળવી લીધી હતી, અને તેની ડુપ્લિકેટ ચાવી પણ બનાવી લીધી હતી. જેની મદદથી મામાના ઘરને તાળું મારેલું હોય તેવા સમયે પાછળથી આવી જતો હતો, અને તાળું ખોલી અંદરથી કટકે-કટકે ૩૦ લાખની રોકડ રકમ તેમજ સોનાના દાગીના મોબાઇલ વગેરેની ચોરી કરી જતો હતો. પરંતુ આખરે ચોરી નો ભાંડો ફૂટી ગયો હતો, અને એલ.સી.બી.ની ટીમે તેની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ૩૦ લાખની રોકડ રકમ, ૨ લાખ ૫૫ હજારની કિંમતના સોનાના દાગીના, રૂપિયા ૨૦.૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન, તેમજ ૫૦ હજારની કિંમતનો પોતાનો મોબાઈલ ફોન, અને રૂપિયા ૨૦.૦૦૦ની કિંમતનું એક બાઈક વગેરે કબજે ને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *