અમદાવાદમા એક યુવતીએ જ્યોતિષ અને વકીલના ચકકરમાં ૩.૮૬ લાખ ગુમાવ્યા

કોલેજમાં જેની સાથે પ્રેમ થયો હતો તેવો યુવક લગ્ન કરવાની ઓફર કરે તેવી ઈચ્છા પૂર્ણ કરવાની વિધી કરાવવા યુવતીએ જ્યોતિષનો સહારો લીધો. અને જ્યોતિષે ૧૪૦૦૦ રૂપિયા પડાવ્યા એટલે કાર્યવાહી કરાવવા વકીલ શોધી કાઢ્યો તો વકીલે ૪.૩૧ લાખની છેતરપિંડી કરી. પરિવારને ખબર ન પડે તે રીતે પ્રેમ પામવા પ્રયાસ કરનાર યુવતીએ ઓનલાઈન જ્યોતિષ અને વકીલ શોધવા કોશિષ કરતાં છેતરપિંડીનો ભોગ બની છે. કુલ ૩.૮૬ લાખ ગુમાવી ચૂકેલી યુવતીની ફરિયાદ નોંધી સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

સાબરમતી વિસ્તારમાં રહેતી નિધી નામની યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. નિધી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતા પાર્થ નામનો સહાધ્યાયી પસંદ હતો અને લગ્ન કરવા ઈચ્છતી હતી. પાર્થ લગ્નની ના પાડશે તેવા ડરથી યુવતીએ ભૂવા કે તાંત્રિક દ્વારા વિધી કરાવવા નક્કી કર્યું હતું કે જેથી પાર્થ સામેથી લગ્નની સંમતી આપે. નિધીએ સોશિયલ મીડિયા થકી આવા માણસોની શોધખોળ શરૂ કરી હતી. કોઈ વેબસાઈટ ઉપર જયપુરમાં રહેતા કિશન અિધકારી ઉર્ફે પવન શર્માનો નંબર મળ્યો હતો. પ્રોફાઈલ તપાસતાં પ્રખંડ જ્યોતિષ અને અઘોર તાંત્રિક તરીકે વર્ણન હતું. કિશન ઉર્ફે પવન સાથે ટેલીફોનિક વાત કરતાં ટૂંક સમયમાં પાર્થ સાથે લગ્ન થઈ જશે તેવી ખાતરી આપી હતી પણ આ માટે અમુક વિધી કરવી પડશે તેમ જણાવ્યુ હતું. અને જો વિધી નહીં કરાવાય તો સંકટ આવવાનો ડર બતાવ્યો હતો. આખરે, નિધીએ તેના મિત્રના એકાઉન્ટમાંથી જ્યોતિષને ગુગલ-પેથી ૧૪૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પછી ફોન કરીને પૂછતાં જ્યોતિષ યોગ્ય ઉત્તર આપતો નહોતો. જ્યોતિષે વિશ્વાસઘાત કરતાં કાર્યવાહી કરવા એડવોકેટ મિત્રવર્તુળમાં શોધખોળ શરૂ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર કિરણ નામધારી જયપુરની રહેવાસી મિત્રને વાત કરી હતી. કિરણ નામધારી વર્ચ્યૂઅલ ફ્રેન્ડે રાજપીપળામાં રહેતા પાર્થ પારઘી ઉર્ફે કબીરસિંઘ નામના વકીલનો નંબર આપ્યો હતો. નિધીએ કબીરસિંગ સાથે વાતચિત કરતાં તેણે લિગલ પ્રોસેસ કરી જ્યોતિષને સજા કરાવશે તેવી વાત કરી હતી. અને પોલીસ ફરિયાદ કરવા ૩૧૦૦ રૂપિયાનો ખર્ચ માંગ્યો હતો તે ગુગલ-પેથી મોકલી આપ્યા હતા. ફરિયાદ થવા અંગે પૂછતા કહેવાતા વકીલ કબીરસિંગે કહ્યું હતું કે, કોર્ટના ઓર્ડર મુજબ તમારા ઘરે કોર્ટના માણસો અને પોલીસ વેરીફિકેશન કરવા માટે આવશે. નિધીએ પરિવારને આ બાબતની ખબર નથી એટલે આવું ન કરવા જણાવ્યું હતું.

પોલીસના માણસોને ઘરે બોલાવ્યા વગર જ કામ કરવુ હોય તો રૂપિયા થાય.એમ કરીને વકીલ કબીર સિંઘ ઉર્ફે પાર્થ પારગીએ પૈસા માગ્યા હતા.  પૈસા આપવાની ના પાડતાં ઘરે કોર્ટના માણસ મોકલવા, કોર્ટમાં ફરિયાદ નોંધાવી જેલમાં પૂરાવી દેવાની ધમકી આપી નિધી પાસેથી ૪.૩૧ લાખ રૂપિયા  વકીલ કબીરસિઘે પડાવી લીધા હતા. પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે નિધીએ વકીલને તેમના વિરૂધૃધ એફઆઈઆર કરવા કહેતાં ૫૧૧૦૦ રૂપિયા પરત ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, બાકીના ૩.૮૬ લાખ પરત નહીં ચૂકવએ એવી ધમકી આપી હતી. તારા બાપાને કહેજે હવે પૈસા ભૂલી જાય તો સારૂં, તારા બાપને છોકરી ખોવાનો વારો આવશે તેવી ધમકી આપી હતી. છેતરપિંડી અને ધમકી આપવા બદલ જયપુરના જ્યોતિષ કિશન અિધકારી અને વકીલ પાર્થ ઉર્ફે કબીર પારઘી સામે ગુનો નોંધી સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *