ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી U-19 વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની 4 વિકેટે જીત થઈ છે. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ઈંગ્લેંડએ પહેલા બેટિંગ કરતા 189 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતને વર્લ્ડ કપ ફાઈનલ જીતવા માટે 190 રનનો ટાર્ગેટ હતો. જેમાં ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ રેવએ સૌથી વધુ 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાજ બાવાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ 190 રનનો પીછો કરતા ભારતે 47.4 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવીને આ મેચ જીતી લીધી છે. જેમા ભારત તરફથી શેખ રાશિદે અને નિશાંત સિંધુએ 50 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતની ટીમ સૌથી વધુ વખત ફાઈનલમાં પહોંચી છે.
ઈંગ્લેન્ડને ફાઈનલ મેચમાં હરાવીને ભારતે પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય ટીમના આ યાદગાર પ્રદર્શન બાદ ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિજેતા ટીમના સદસ્યો માટે 40 લાખ અને સહયોગી સ્ટાફ માટે 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. બોર્ડના સચિવ જય શાહે આ વાતની પૃષ્ટિ કરી છે. ફાઇનલમાં ભારતની ચાર વિકેટથી જીત બાદ જય શાહે તરત ટ્વીટ કર્યું હતું, ‘અંડર-19 વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીતનાર અંડર-19 ટીમના સદસ્યોને બીસીસીઆઈ 40-40 લાખ રૂપિયા રોકડ ઈનામ અને સહયોગી સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપશે. તમે અમને ગૌરવ અપાવ્યું છે.’
સૌરવ ગાંગુલીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘અંડર-19 ટીમ સહયોગી સ્ટાફ અને પસંદગીકારોને આટલી શાનદાર રીતે વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. અમારા તરફથી 40 લાખના રોકડ ઈનામની જાહેરાત પ્રશંસાનું એક નાનું પ્રતીક છે. પરંતુ તેના પ્રયત્નો મૂલ્યોની બહાર છે. શાનદાર પ્રદર્શન.’