ધંધૂકામાં થયેલી હત્યા બાદ રાજ્યમાં બનેલા બનાવોને ધ્યામાં રાખીને સમગ્ર રાજ્યમાં જાહેર સુલેહ શાંતિ ડહોળાય અથવા કોમી વૈમનસ્ય પેદા થાય તે પ્રકારની સોશિયલ મીડિયામાં પોષ્ટ મૂકાઇ રહી છે. આવી ભડકાઉ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનારા સામે કડક કાર્યવાહી કરવા ડી.જી.પી. આશીષ ભાટીયા દ્વારા સુચના આપવામાં આવી છે.
આવી પોસ્ટના કારણે ગંભીર બનાવો બનવાની શક્યતાને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ એકમોને સોશિયલ મીડિયા ઉપર નજર રાખવા સૂચના આપવામાં આવેલ છે. વાંધાજનક પોસ્ટ કે લખાણ ધ્યાને આવે તો તે સંદર્ભે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અલગ અલગ કુલ-૦૭ ગુનાઓ આ સંદર્ભે નોંધવામાં આવેલ છે.
સોશિયલ મીડિયા પર જરૂરી વોચ રાખી આવશ્યકતાને અનુલક્ષીને કાયદેસરની કાર્યવાહી કરવા તથા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી અસરકારક પોલીસ પેટ્રોલીંગ રાખવા DGP દ્વારા આદેશ અપાયા છે.
જેમાં ગુજરાત STSA સ્ટેટ લેવલ નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ શહેર-જિલ્લામાંથી હથિયાર પરવાનગી સાથે સ્થળાંતર થયેલા શખ્સો અને ખાનગી સિકયુરિટી એજન્સીમાં હથિયાર પરવાનગી ધરાવતા સિક્યુરિટી ગાર્ડની યાદી તૈયાર કરવા અને તેઓના વર્તમાન પરિસ્થિતિ અને પ્રવૃત્તિ અંગેની તપાસ હાથ ધરવાની અને શંકાસ્પદ કાર્યવાહી હોય તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કંડલા મરીન પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ) -1 ગુનો, નખત્રાણા તથા ગઢશીશા પોલીસ સ્ટેશન (પશ્ચિમ કચ્છ) -2 ગુનાઓ, શહેરકોટડા પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર) -1 ગુનો, વંથલી પોલીસ સ્ટેશન (જૂનાગઢ) -1 ગુના, શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ( રાજકોટ ગ્રામ્ય) -1 ગુનો, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન (છોટા ઉદેપુર) -1 ગુનો.