ભાજપના ધારાસભ્યએ તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨ રવિવાર રોજ રાજકોટના પોલીસ કમિશનર પર હપ્તા વસૂલીનો અને ફરિયાદ દાખલ કરવાના બદલે ઉઘરાણીનો હવાલો લઈને કમિશન ખાતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ પ્રકારના આક્ષેપના કારણે પોલીસ બેડા અને રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે.
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કમિશન ખાઈને ડૂબેલા નાણાંની વસૂલાત કરી આપતા હોવાનું જણાવ્યું હતું. રાજકોટના મહેશ સખીયાએ ૮ મહિના પહેલા પોતાના સાથે ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી. તે સમયે તેમની એફઆઈઆર લખવાના બદલે મહેશભાઈ પાસેથી ઉઘરાણીનો હવાલો લઈને જે ઉઘરાણી આવે તેમાં ૧૫ ટકા કમિશનની માગણી કરી હતી.
આ મામલે ૭ કરોડની ઉઘરાણી પાછી આવી હતી અને પોલીસ કમિશનરે પોતાના પીઆઈ મારફતે ૭૫ લાખ વસૂલ્યા બાદ ૩૦ લાખની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.
રાજ્યના ગૃહ વિભાગે આ સમગ્ર કેસ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ રાજકોટમાં નવી ફરિયાદો થઈ રહી હોવાની ચર્ચા જાગી છે અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા આગામી ૩ દિવસમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને રિપોર્ટ સુપરત કરશે.