ધંધુકાના કિશન ભરવાડના હત્યા પ્રકરણમાં સંડોવાયેલા દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની અને ગુજરાતના અઝીમ બશીરભાઇ સમાના સાત દિવસના પોલીસ રિ માન્ડ પૂર્ણ થતાં આજે ફરી તેમને કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ધર્મ અને નબી વિરૃદ્ધ ટિપ્પણી કરનારાં ૧૫૦૦ લોકોનું ટાર્ગેટ લિસ્ટ મૌલાના કમરગનીએ બનાવડાવ્યું હતું. ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સામે કોર્ટે કમરનગીના વધુ નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે અઝીમ સમાની રિમાન્ડ અરજી ફગાવી તેને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
કોર્ટ સમક્ષ આજે પોલીસે રજૂઆત કરી હતી કે એ.ટી.એસ. દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મ તેમજ નબી વિરૃદ્ધ ટિપ્પણી કરનારાં ૧૫૦૦ લોકોનું લિસ્ટ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તહેરીકે-ફરોદે- ઇસ્લામ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર સોસાયટીના ઓફિસમાં નેશનલ સેક્રેટરી અહેસાન ઉલ હક્કે બનાવ્યું હતું. તેથી આ લેપટોપ અને તેમાં રહેલા લોકોની વિગતો જાણવી જરૃરી છે. આ લિસ્ટમાં ગુજરાતના કોઇ વ્યક્તિઓ છે કે નહીં તેની માહિતી મેળવવી પણ જરૃરી છે.
આરોપી કમરગનીને સાથે રાખી તેની સંસ્થામાં રહેલા લેપટોપ, અન્ય કમ્પ્યૂટરના સી.પી.યુ., સંસ્થાના રજિસ્ટ્રેશનની વિગતો તેમજ બિનમુસ્લિમો વિરૃદ્ધ ઉશ્કેરણી કરતા સાહિત્યની ભાળ મેળવવાની છે. આરોપીએ ગુજરાતમાં પણ કોઇ શાખા ખોલી ધર્મ વિરૃદ્ધ ટિપ્પણી કરનારા લોકોને પાઠ ભણાવવાનું કાવતરુ કર્યુ છે કે નહીં તેની વિગતો મેળવવી જરૃરી છે. ઉપરાંત આરોપીના કોલ ડિટેઇલ રેકર્ડ પરથી બહાર આવ્યું છે કે તે ગુજરાતના આશરે ૪૮ શખ્સોના સંપર્કમાં હતો. તેથી તેના આયોજનો વિશે વિગતવાર માહિતી મેળવવા માટે પોલીસ કસ્ટડીમાં તેની હાજરી જરૃરી છે.