રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે કાર નિર્માતા કંપનીઓને કારમાં બેસનારા તમામ યાત્રીઓ માટે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ ઉપલબ્ધ કરાવવું ફરજિયાત કરી દીધું છે.
તેમણે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા કારની પાછળની સીટમાં બેસનારા યાત્રીઓેને પણ લાગુ થશે. કાર કંપનીઓને વચ્ચેની સીટ માટે પણ થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ ઉપલબ્ધ કરાવવું પડશે.
આ જોગવાઇ લાગુ થવાનો અર્થ છે કે કોઇ પણ કારમાં બેસનારા તમામ યાત્રીઓ માટે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ આપવું હવે ફરજિયાત છે. હાલમાં કારમાં આગળની સીટ પર બે અને પાછળની સીટ પર બે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ આપવામાં આવે છે. પાછળની લાઇનમાં વચ્ચેની સીટ માટે ફક્ત ટુ પોઇન્ટ સીટ બેલ્ટ આપવામાં આવે છે.
ગડકરીએ જણાવ્યું હતું કે મે આ જોગવાઇવાળી ફાઇલ પર ગઇકાલે જ સહી કરી છે. જે હેઠળ કાર નિર્માતા કંપનીઓને વાહનમાં બેસનારા તમામ યાત્રીઓ માટે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેલ્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગડકરીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દર વર્ષે થનારા પાંચ લાખ અકસ્માતમાં ૧.૫ લાખ લોકોનાં મોત થાય છે.