ગે ચેટ એપ્લિકેશનથી ફસાવીને મળવા બોલાવીને બ્લેકમેઈલિંગ કરી અને ધમકી આપીને બે લોકો પાસેથી એક-એક લાખ રૂપિયા પડાવવામાં આવ્યાં હતાં. સરખેજ, બાવળા અને ચાંગોદરના ત્રણ યુવકને સોલા પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ ટોળકી બે મહિનામાં 15-20 લોકોને છેતરી ચૂકી છે. ગોતા વિસ્તારમાં રહેતા 42 વર્ષના ખાનગી નોકરીયાત ખોડીદાસભાઈએ બે મહિના પહેલા બ્લ્યુડ ગે ડેટીંગ એન્ડ વિડિયો ચેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશન ઉપર તા. 10ના રોજ રવિ નામના વ્યક્તિએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ફરિયાદી ખોડીદાસભાઈ પહોંચ્યા ત્યારે રવિ નામના શખ્સે તેમને પોતાના ટુ વ્હીલર ઉપર બેસાડી દીધા હતા.
ખોડીદાસભાઈને થોડે દૂર સાગર સંગીત હાઈટ્સ ફ્લેટની બાજુમાં ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો. પાંચેક મિનિટ વાતચિત કરી ત્યાં ત્રણ શખ્સો આવ્યા હતા. ખોડીદાસભાઈનો મોબાઈલ ફોન લઈને ફોન-પે એપ્લિકેશનમાંથી 75000 ટ્રાન્સફર કરી લીધા હતા. બાકીના 25000 ખોડીદાસભાઈના પત્નીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાયા હતા. બધા નાણાં શીવમ ભાવેશકુમારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા.
સોલા પોલીસે આરોપીને ઝડપી લઈ વિધીવત ફરિયાદ નોંધી છે. ચાણક્યપુરીમાં રહેતા 40 વર્ષના હિતેષભાઈને ગત તા. 8ના રોજ રવિ નામના શખ્સે જ ગ્રીન્ડર ગે ચેટ નામની એપ્લિકેશનમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. હિતેષભાઈને પણ સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે મળવા બોલાવાયા હતા. સાંજ ઢળતા 7-30 વાગ્યાના અરસામાં ઉમા સ્તુતી બંગલોઝ નજીક ખૂલ્લી જગ્યામાં લઈ ગયો હતો.
આ સમયે ત્રણ શખ્સોએ પે-ટીએમ એપ્લિકેશન ખોલાવી બેન્ક ખાતામાંથી એક લાખ રૂપિયા શિવમ ભાવેશભાઈ નામની વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધ્યો હતો. સોલા પોલીસે સરખેજના સંતોષીનગરમાં રહેતા શિવમ ભાવેશભાઈ પટેલ (ઉ.વ. 25), ચાંગોદરના રહીશ ચિંતન વિષ્ણુભાઈ ધોળકિયા અને બાવળામાં રહેતા મુકુંદ જયરામભાઈ પ્રજાપતિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.