YouTube એ Sansad TV નું સત્તાવાર એકાઉન્ટ બંધ કરી દીધું છે. ચૅનલના પેજ પર લખવામાં આવી રહ્યું છે કે ‘આ એકાઉન્ટ યુટ્યુબના સામુદાયિક માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે બંધ કરવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા વેબસાઈટ ‘રેડિટ’ પર સ્ક્રીનશોટ અને વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે સંસદ ટીવીનું યુટ્યુબ એકાઉન્ટ સોમવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર યુઝર્સે પણ આ વાતની નોંધ લીધી. જો કે હજુ સુધી આ અંગે સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
એવો દાવો કરવામાં આવે છે કે મોડી રાત્રે એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેનું નામ બદલીને ‘Ethereum’ કરી દેવામાં આવ્યું હતું. આ ક્રિપ્ટોકરન્સીને લગતો એક વીડિયો પણ લાઈવ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. છેલ્લો વીડિયો સોમવારે રાત્રે 10.35 વાગ્યે સંસદ ટીવીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં YouTube ની લિંક છે જે હવે ઉપલબ્ધ નથી. અત્યાર સુધી Sansad TV તરફથી કોઈ અપડેટ નથી.
ગત વર્ષ કેન્દ્ર સરકારે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મર્જ કરીને તેને ‘સંસદ ટીવી’ નામ આપ્યું હતું. નિવૃત્ત IAS રવિ કપૂરને માર્ચ 2021માં મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બનાવવામાં આવ્યા હતા. સંસદ ટીવીનું ઉદ્ઘાટન 15 સપ્ટેમ્બર, 2021ના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું. યુટ્યુબ પર જ રાજ્યસભા ટીવીનું એકાઉન્ટ સંસદ ટીવીમાં બદલી દેવામાં આવ્યું હતું. તે એકાઉન્ટ હવે YouTube દ્વારા દૂર કરવામાં આવ્યું છે.