બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લાહેરી ૬૯ વર્ષના હતા.
બપ્પી લાહેરી ઘણા સમયથી બીમાર હતા અને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
સંગીત જગતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ૭૦ અને ૮૦ના દાયકામાં તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત ‘ભંકાસ’ હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બાગી ૩’ માટે બનાવ્યું હતું.
બપ્પી લાહેરી નો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૫૨ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો.બપ્પી લાહેરીનું સાચું નામ આલોકેશ લાહેરી હતું અને તેમના પિતાનું નામ અપરેશ લહેરી, માતાનું નામ બંસરી લાહેરી છે. બપ્પી લાહેરીને બે બાળકો છે.
મ્યુઝિક કંપોઝર અને સિંગર બપ્પી લહેરીએ ૨૭ નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ છેલ્લા ઘણાં સમયથી તેમના ગીતો ઉપરાંત અન્ય એક કારણથી સતત લાઈમલાઈટમાં રહેતા હતા. આ અન્ય એક કારણ એટલે તેમનો સોના-ગોલ્ડ પ્રત્યેનો પ્રેમ. સોનાના ખૂબ જ વજનદાર ઘરેણાં એ બપ્પીદાની ઓળખ બની ગયા હતા. પરંતુ શું તમે જાણો છો બપ્પી દા કેટલી જ્વેલરી પહેરતા અને તેઓ જે જ્વેલરી પહેરતા તેનું વજન શું હતું ?
મ્યુઝિક સિવાય બપ્પી દાની અન્ય એક ઓળખ તેમની જ્વેલરી પણ છે. બપ્પીદા હાથ અને ગળામાં ખૂબ જ વજનદાર જ્વેલરી પહેરતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે તેમણે ઉમેદવારી દર્શાવી હતી અને તે સમયે પોતાની સંપત્તિ પણ જાહેર કરી હતી. ચૂંટણીના સોગંદનામા પ્રમાણે બપ્પી લહેરી પાસે ૭૫૪ ગ્રામ સોનું અને ૪.૬૨ કિગ્રા ચાંદી હતા. જોકે, વર્તમાન સમયમાં તેમની સંપત્તિમાં ફેરફાર થયો હોય તેમ બની શકે. ૨૦૧૪ના વર્ષના આંકડાઓને સોનાની વર્તમાન કિંમત સાથે સરખાવીએ તો તેમના પાસે આશરે ૩૯ લાખ રૂપિયાનું સોનું હતું અને આશરે ૩ લાખ રૂપિયાની ચાંદી હતી. તમને જણાવી દઈએ કે માત્ર બપ્પીદા જ સોના માટે પ્રખ્યાત નહોતા, તેમના પત્ની પાસે તેમના કરતાં ઘણું વધારે સોનું હતું. ૨૦૧૪માં બપ્પીદાએ જે માહિતી દર્શાવી હતી તે પ્રમાણે તેમના પત્ની પાસે ૯૬૭ ગ્રામ સોનું, ૮.૯ કિગ્રા ચાંદી અને ૪ લાખના હીરા હતા. એટલે જો સરવાળો કરીએ તો તે સમયે તેમના પાસે આશરે ૨૦ કરોડની સંપત્તિ હતી જેમાં હાલ વધઘટ થઈ હોઈ
હવે આ થઈ તેમની જ્વેલરીના વજન અને કિંમતની વાત પણ તેઓ શા માટે આટલી જ્વેલરી પહેરતા?
બપ્પી દા એ જણાવ્યું હતું કે, ‘હોલિવુડમાં એલ્વિસ પ્રેસલી સોનાની ચેઈન્સ પહેરતો અને મને તે ખૂબ ગમતો. એ સમયે હું વિચારતો કે, હું સફળ થઈશ ત્યારે મારી એક અલગ ઈમેજ સેલિબ્રેટ કરીશ અને એ પછી હું આટલું સોનું પહેરી શકવા સક્ષમ બન્યો અને ગોલ્ડ એ મારા માટે લકી છે.
બપ્પી દા ના મૃત્યુના બે દિવસ પહેલા જ સિંગર-કોમ્પોઝરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક થ્રોબેક પિક્ચર શેર કર્યો હતો. તેમણે પોતાનો જ એક થ્રોબેક શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની સિગ્નેચર સ્ટાઈલ- સનગ્લાસ અને સોનાની ચેઈન સાથે જોવા મળે છે. આ સાથે જ તેમણે લખ્યું હતું કે, ‘ઓલ્ડ ઈઝ ઓલ્વેઝ ગોલ્ડ.’