યુક્રેન-રશીયા યુદ્ધ બાબતે વાટાઘાટો માટે તૈયાર થયાના તેમજ રશીયાએ સૈન્ય પાછું ખેંચ્યાના અહેવાલો પાછળ હવે યુદ્ધનો ભય હળવો થતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં પણ નીચા મથાળે શોર્ટ કવરીંગ પાછળ ઝડપી સુધારો નોંધાયો હતો.
બીએસઈ સેન્સેક્સમાં ૧૭૩૬ અને એનએસઈ નિફ્ટીમાં ૫૧૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં આજે યુક્રેન-રશીયા વચ્ચે યુદ્ધનો ભય ટળ્યાના અહેવાલો પાછળ સ્થાનિક ફંડોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ શેરોની જાતેજાતમાં સુધારો થતાં બજારના મુખ્ય ઈન્ડેક્સ પણ ઝડપથી ઉંચકાયો હતો. આજે કામકાજના પ્રારંભથી પોઝિટીવ ઝોનમાં રહેલ સેન્સેક્સ કામકાજના અંતે ૧૭૩૬.૨૧ પોઈન્ટ ઊછળીને ૫૮૧૪૨.૦૫ અને નિફ્ટી ૫૦૯.૬૫ પોઈન્ટ ઊછળીને ૧૭૩૫૨.૪૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. અને સ્થાનિક ફંડો દ્વારા આજે રૂ ૪૪૧૨ કરોડની નવી લેવાલી હાથ ધરાઈ હતી. જોકે, વિદેશી રોકાણકારોએ આજે પણ રૂ ૨૨૯૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. નવી લેવાલી પાછળ આજે ૨૦૪૮ શેરો પોઝિટીવ બંધ રહ્યા હતા. જે પૈકી ૨૩૭ શેરોમાં તેજીની અને ૩૮૧ શેરોમાં મંદીની સર્કિટ અમલી બની હતી.
સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં રૂ ૬.૩૮ લાખ કરોડનો વધારો થતા અંતે રૂ ૨૬૧.૮૦ લાખ કરોડ રહ્યું હતું. ગઈકાલે સેન્સેક્સના કડાકામાં રોકાણકારોની સંપતિમાં રૂ ૮.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું હતું. આમ, આજે બજારમાં ઊછાળો નોંધાવા છતાં રોકાણકારોની સંપતિમાં રૂ ૨.૦૭ લાખ કરોડનું નુકસાન રહ્યું હતું.