અમદાવાદ ગુજરાત કોંગ્રેસમાં એક તૂટેને તેર સાંધે જેવી સ્થિતિ સર્જાઇ છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ ચરમસિમાએ પહોંચ્યો છે. છેલ્લાં કેટલાંક વખતથી નારાજ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ગમે તે ઘડીએ કેસરિયો ખેસ ધારણ કરી શકે છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આજે એવુ ટ્વિટ કર્યુ હતું કે, આજે મહેસાણા થઈ મા બહુચરના આર્શિવાદથી શરૂઆત.
યોગાનુયોગ આજે બહુચરાજી કોંગ્રેસમાં ભંગાણ પડયુ છે કેમકે, ઉત્તર ગુજરાતના કેટલાંક નેતાઓએ આજે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો. ચર્ચા એવી છેકે, થોડાક દિવસ પહેલાં જ એક લગ્ન સમારોહમાં જયરાજસિંહ પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતાં.
બે દિવસ પહેલાં ખુદ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જયરાજસિંહના ઘેર પહોચ્યા હતાં જયાં બંધબારણે બેઠક યોજાઇ હતી અને લંબાણપૂર્વક ચર્ચા થઇ હતી.
ટૂંક જ સમયમાં જયરાજસિંહ કોગ્રેસ છોડવાની સત્તાવાર જાહેરાત કરશે. જયરાજસિંહ પરમારનું કહેવુ છેકે, પક્ષ માટે જે લોકોએ જાત ઘસી નાંખી છે તેમનું કોઇ મહત્વ જ નથી. ૪૦-૪૦ વર્ષથી હારેલા નેતાઓ જ પક્ષ ચલાવી રહ્યા છે. વાસ્તવમાં સેકન્ડ કેડર જ પક્ષ ચલાવે છે. આ સિૃથતીને લીધે જ કોંગ્રેસના નેતા-કાર્યકરો પક્ષ છોડવા મજબૂર બની રહ્યાં છે.
જયરાજસિંહ પરમારના પુત્રએ જ સોશિયલ મિડીયામાં આ બેઠકની તસવીરો પણ શેર કરી હતી.