દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા માટે આજે દેશના રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ દક્ષિણ ગુજરાતની મુલાકાત કરી છે.
દર્શનાબેન જરદોશે સુરત, નવસારી, બીલીમોરા, વલસાડ અને વાપી ખાતે ચાલી રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.
બુલેટ ટ્રેન પ્રેજેક્ટના પહેલા તબક્કા અંતર્ગત સુરતથી બીલીમોરા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી સમયસર પુર્ણ થાય તે માટે રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેને સ્થળ મુલાકાત કરી હતી. આ દરમ્યાન દર્શનાબેન જરદોશે એન્જીનિયરો અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.
દર્શનાબેન જરદોશે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના પાડગઢમાં ચાલી રહેલા કાસ્ટિંગ યાર્ડની કામગીરીની સ્થળ મુલાકાત કરી અને પાઈલ કેપ, પીયરની અને ગર્ડરના શરુઆતના કામની સમિક્ષા કરી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચે આકાર પામી રહેલા હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ એટ્લે કે બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન સુરત ખાતે બંધાશે. થોડા દિવસો પહેલા રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. બુલેટ ટ્રેનના હાલ તૈયાર થઈ રહેલા ૨૩૭ કિલોમીટર લંબાઈ ધરાવતા રેલમાર્ગ ઉપર ૪ સ્ટેશનોની ઈમારત બાંધવાની કામગીરી ઉપડવામાં આવી છે, જે હેઠળ પહેલું સ્ટેશન સુરતમાં બંધાશે.