જૂનાગઢનાં પ્રાચીન નામોનો રસિક ઇતિહાસ છે. મણિપુર, ચંદ્રકેતુ, રૈવત, પૌરાતન, ગિરિનગર, ઉદયંત, ઉર્જયંત, જીર્ણનગર, અસીવદુર્ગ, કર્ણકુબ્જ વગેરે જૂનાગઢનાં પ્રાચીન નામ છે. ગિરનારની તળેટીમાં વસેલું જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “જીર્ણગઢ” તરીકે કર્યો છે. જૂનાગઢનો સામાન્ય અર્થ “જૂનો ગઢ” થાય છે. જૂનાગઢ રજવાડાનો ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો. જૂનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો છે.
ઐતિહાસિક શિલ્પ અને સ્થાપત્યો જૂનાગઢની ઓળખને પ્રસ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન ધરાવે છે. ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર મેળો યોજવા માટે પરવાનગી આપે તેવી સંભાવના હતી ત્યારે આજે જૂનાગઢના કલેક્ટરે મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે જેના કારણે ભક્તોમાં ખુશી ફેલાઈ છે
જૂનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મેળો યોજવાની જાહેરાત કરી છે. બેઠકમાં નક્કી થયા પ્રમાણે મેળાના આયોજન માટે અલગ અલગ સમિતીઓ બનાવવામાં આવાશે અને તંત્ર દ્વારા આશા વ્યકત કરવામાં આવી છે કે અત્યાર સુધીનો સૌથી સારો મેળો યોજાશે. આ મેળો યોજાય તે માટે સાધુ સમાજે માગણી કરી હતી અને જૂનાગઢ મનપાએ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.
આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા હશે. મુલાકાતીઓના મનોરંજન માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લાં દિવસે સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.
મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવશે.