અમદાવાદ, વડોદરામાં ૧૮ થી ૨૫ ફેબ્રુઆરી રાત્રિ કર્ફ્યુ રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના માર્ગદર્શિકા મુજબ નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તથા મુખ્ય સચિવ પંકજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં કોવીડ એપ્રોપ્રિએટ બિહેવિયરના પાલન સાથે આ છૂટછાટો આપવાનું નિર્ધારિત કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના પાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતી પૂર્વવત બની રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ % અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ % વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે, ડિજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *