ભારતે વિન્ડિઝને બીજી ટી-૨૦માં હરાવ્યું : ૨-૦થી શ્રેણી વિજય મેળવ્યો

કોહલી અને પંતની અડધી સદીઓ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટી-૨૦માં આઠ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે આ સાથે ત્રણ ટી-૨૦ની શ્રેણી પણ ૨-૦થી જીતી લીધી હતી.  જીતવા માટેના ૧૮૭ના ટાર્ગેટનો પીછો કરતાં  પોવેલ(૬૮*) અને પૂરણે (૬૨) આક્રમક બેટીંગ કરતાં ભારત પર દબાણ સર્જ્યું હતુ. જોકે આખરી ઓવરોમાં બોલરોએ તનાવ વચ્ચે એકાગ્રતા જાળવી રાખતાં ટીમને જીત અપાવી હતી અને વિન્ડિઝ ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૮ ના સ્કોર સુધી જ પહોંચી શક્યું હતુ. હવે ત્રીજા અને આખરી તેમજ ઔપચારિક ટી-૨૦ રવિવારે રમાશે.

ભારતે ટોસ જીતીને બેટીંગ કરતાં કિશનની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જોકે રોહિત અને કોહલીની જોડીએ ૪૯ રનની ભાગીદારી કરતાં ટીમને સ્થિરતા આપી હતી. રોહિત ૧૯ રને આઉટ થયો હતો. ભારે આત્મવિશ્વાસ સાથે રમતાં કોહલીએ ક્લાસિક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા અને ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૧ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા. સુર્યકુમાર (૮) અને કોહલી ૧૦૬ના સ્કોર સુધીમાં આઉટ થયા હતા.

મીડલ ઓર્ડરમાં પંતે બાજી સંભાળી હતી અને ૨૮ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૫૨ રન ફટકાર્યા હતા. તેણે વેંકટેશ ઐયર (૧૮ બોલમાં ૩૩) સાથે ૩૫ બોલમાં ૭૬ રન જોડયા હતા.

જવાબમાં વિન્ડિઝે પણ ભારતની જેમ ૫૯ના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી. જે પછી પૂરણ (૪૧ બોલમાં ૬૨) અને પોવેલ (૩૬ બોલમાં ૬૮*)ની જોડીએ ૬૦ બોલમાં ૧૦૦ રન જોડયા હતા. આખરી બે ઓવરમાં તેમને જીતવા ૨૮ રનની જરુર હતી, ત્યારે ભુવનેશ્વરે નાંખેલી ઈનિંગની ૧૯મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા અને સેટ થયેલા પૂરણની વિકેટ ઝડપી હતી. જે પછી આખરી ઓવરમાં જીતવા માટે ૨૫ રનની જરુર હતી. હર્ષલ પટેલની બોલિંગમાં પોવેલે ઉપરાઉપરી બે છગ્ગા ફટકાર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. વિન્ડિઝના કેપ્ટન પોલાર્ડની આ ૧૦૦મી ટી-૨૦ મેચ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *