ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં હવે સંસદસભ્યો અને ધારાસભ્યોની એન્ટ્રી કરવામાં આવી છે. પ્રજાના આ પ્રતિનિધિઓ સરકારમાં બેઠેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે પરામર્શ કરી વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં માર્ગદર્શન આપશે. સરકારે આવી કુલ ૧૬ પરામર્શ સમિતિઓની રચના કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના કેબિનેટ મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓના અધ્યક્ષપદે ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિમાં સંસદસભ્યોની પણ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્તિ કરી છે.
પ્રથમ સમિતિ મુખ્યમંત્રી પાસે રહેલા વિભાગોની બનાવવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ઉપરાંત ૧૬ સભ્યો છે.
સમિતિમાં ચાર મંત્રીઓ, વિપક્ષના નેતા સુખરામ રાઠાવા, સંસદસભ્યો ઉપરાંત ધારાસભ્યોને પણ લેવામાં આવ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સભ્યોમાં નરહરિ અમીન, દિનેશ અનાવાડિયા અને સીઆર પાટીલને સ્થાન આપવામાં આવ્યું છે.આવી બીજી સમિતિ મહેસૂલ મંત્રીના અધ્યક્ષસ્થાને બનાવવામાં આવી છે જેમાં મંત્રીઓ અને ધારાસભ્યો ઉપરાંત સાંસદ પૂનમ માડમ, શક્તિસિંહ ગોહિલ અને અમી યાજ્ઞિાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણની સમિતિમાં ધારાસભ્યો ઉપરાંત સાંસદ રતનસિંહ રાઠોડ, રંજન ભટ્ટ તેમજ નારણ કાછડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ જ પ્રમાણે કેબિનેટ મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો પ્રમાણેની સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં અન્ય મંત્રીઓ, ધારાસભ્યો અને આમંત્રિત તરીકે સાંસદોની નિમણૂક કરવામાં આવી છે.