ગાંધીનગર તથા નડિયાદ જિલ્લાની ટીમે નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર ખોરાક ઔષધ નિયમન તંત્રની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડમાં લાખો રુપિયાનો અખાદ્ય મરચાં પાવડર, અખાદ્ય કલર તથા મકાઈના લોટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યુ છે કે, ફૂડ સેફ્ટી કમિશનરને મળેલ બાતમીના આધારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમ્યાન કલરવાળા મરચાંનો અંદાજે રૂ. ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કીગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
જિલ્લાની ટીમ દ્વારા સયુંકતપણે કરવામાં આવેલ દરોડામાં નડિયાદ જી.આઈ.ડી.સી માં ભરતભાઈ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિ મરચામાં મકાઈનો લોટ, અખાદ્ય કલર, હલકું મરચું ભેળસેળ કરતા વ્યકિતને તંત્ર દ્વારા રંગેહાથે ઝડપી પાડ્ય હતા. આ દરોડામાં મરચાં પાવડર, અખાદ્ય કલર તથા મકાઈ લોટના કૂલ- ૬ નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લઈ ચકાસણી અર્થે લોબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. આશરે ૯૪૭૨ કીગ્રા રૂ.૪,૫૯,૭૪૦નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
એચ. જી. કોશિયાએ વધુમાં માહિતી આપી કે,આ રેડમાં આશરે ૬૪ કિગ્રાનો અખાદ્ય કલરનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. મહત્વનું છે કે આ કલરથી હજારો કિલોમાં આવા કલરવાળા મરચાં પાવડરને બનાવી શકાય છે. જેના સેવનથી કૅન્સર થવાનું ગંભીર જોખમ રહ્યુ છે. આ મરચાં પાવડરના નમૂનાને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.