આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ: જાણો કેટલીક જાણી-અજાણી વાતો

જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત.

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. માતૃભાષા પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી યુનેસ્કોએ વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2000 થી દર વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવામાં આવે છે. યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની છે. વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. આજના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયા ઉપર શુભેચ્છાઓ પાઠવી હતી.

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી, પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.

21 ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. પણ એક કડવું સત્ય એ પણ છે કે, માતૃભાષાનું ચલણ નામશેષ થઈ રહ્યું છે. જેના પાછળ આપણું ઘર પરિવાર જ જવાબદાર છે. જો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું સંતાન માતૃભાષા શીખે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે એમ નથી અને આપણો ભારત દેશ તો એ બધી જ ભાષા માટે ખરા અર્થમાં મુક્ત છે પણ આપણે જ એને કોઈ એક કહેવાતી વિદેશી ભાષાના કેદમાં મરવા માટે છોડી દીધી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *