ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ આ વર્ષે ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-૧૦માં પ્રથમ વખત ગણિતની ૨ પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં ૩૦ માર્ચે બેઝિક ગણિત અને ૩૧ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે.
ધોરણ ૧૦માં અદાજિત ૯.૭૦ લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૪ લાખ ૨૨ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.
રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો હતો. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેને કારણે દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા હતા, જેથી સરકાર દ્વારા ધો. ૧૦ તથા ૧૨ બોર્ડ અને ધો. ૯થી ૧૧ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયાં સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એને કારણે હવે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ને બદલે ૨૮ માર્ચથી શરૂ થશે, સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨માં કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ તા.૧૫/૦૭/૨૦૨૧થી ધોરણ-૧૨માં તેમજ તા.૨૬/૦૭/૨૦૨૧થી ધોરણ-૯ થી ૧૧માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું હતું, જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે એ માટે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયાં જેટલી પાછળ લઇ જવાનો નિર્ણય કરાયો હતો.