સુરતના બિલ્ડરે પ્રોજેક્ટ લોન ન ભરતાં એપાર્ટમેન્ટના ૨૭ ફ્લેટ સીલ, ઘરના ઘર હોવા છતાં લોકો રસ્તા પર આવી ગયા

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમ એપાર્ટમેન્ટના રહીશો રસ્તા પર આવી ગયા છે. પોતે લોન લઈને ફ્લેટ ખરીદ્યા હતા. ફ્લેટના હપતા રહીશો દ્વારા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી ડેવલપર્સ બિલ્ડરના ભોગે રહીશોએ હેરાન થવાનો વખત આવ્યો છે. પરમ એપાર્ટમેન્ટના ૨૭ ફ્લેટ બેંક દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે. નાનાં બાળકો સહિત પરિવારના સભ્યો રોડ પર સૂવા માટે મજબૂર બની ગયા છે. બીજી તરફ, સમગ્ર પ્રોજેક્ટ લોનના રૂપિયા વાપરી કૌભાંડ આચરીને બિલ્ડર દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

પરમ એપાર્ટમેન્ટના રહીશોના ફ્લેટ બેંક દ્વારા સીલ મારી દેવાતાં પોતાનો માલસામાન બહાર કાઢી લેવામાં આવ્યો છે. હવે પોતાનો ફ્લેટ હોવા છતાં પણ આ ફ્લેટધારકોની સ્થિતિ રસ્તે રખડતા પરિવાર જેવી થઈ ગઈ છે. રહીશો દ્વારા બિલ્ડરોને સતત ફોન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે તેણે એકપણ ફ્લેટધારકના ફોન ઉપાડ્યો નથી. બાળકો સહિત પોતાનો સમાન ઘરની બહાર મૂકવા માટે મજબૂર બની ગયા છે. આવી પડેલી મુસીબતમાં હવે પરિવારજનોએ ક્યાં જવું એ તેમને સમજાતું નથી.

પરમ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઈએ જણાવ્યું હતું કે અમે ફ્લેટ માટે લોન લીધી છે. બેંકે અમને લોન આપી છે. અમે તેના હપતા ચૂકવ્યા છે. જ્યારે પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી ન હોય ત્યારે જ બેંક દ્વારા લોન આપવામાં આવે છે. તો પછી આ બન્યું કેવી રીતે. આ તો અમને જે બેંકે લોન આપી છે તેની પણ જવાબદારી બને છે કે તેણે આ પ્રોજેકટનો અભ્યાસ કર્યા વગર અમને કેવી રીતે લોન આપી દીધી. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ લોન લેવા જાય છે ત્યારે તમામ દસ્તાવેજ બેંકના અધિકારીઓને બતાવે છે. ત્યાર બાદ તેમને લોન આપતા હોય છે. અમારા બિલ્ડરને જ્યારે નોટિસ મળતી હતી ત્યારે અમે તેને આ બાબતે રજૂઆત કરી હતી. તો તેમણે અમને કહ્યું હતું કે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમે શાંતિથી રહો, પરંતુ આજે 27 જેટલા ફ્લેટ આખરે સીલ કરી દેવામાં આવ્યા છે. અમારો કોઇ જ વાંક ન હોવા છતાં લાખો રૂપિયાની લોન લીધા બાદ પણ અમને રસ્તા પર રહેવાની ફરજ પડી છે.
સુરતમાં અનેક ડેવલપર્સ ફલેટધારકો સાથે ચીટિંગ કરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પ્રોજેક્ટ લોનના નામે વધારાની લોન લઈ લેતા હોય છે. ત્યાર બાદ ફ્લેટ વેચી દે છે. દસ્તાવેજ પણ કરી આપે છે. જો બિલ્ડરે લોન ન ચૂકવી હોય અને તેની પ્રોજેક્ટ લોન ચાલુ હોય તો કયા આધારે તેના દસ્તાવેજ ફ્લેટધારકોને આપી શકે? એક પ્રકારે બિલ્ડરો ફ્લેટ ખરીદનાર ગ્રાહકો સાથે ચીટિંગ જ કરતા હોય છે. હવે આ ઘરવિહોણા થઈ ગયેલા પરિવાર લોન કેવી રીતે ચૂકવશે. હવે મુશ્કેલી એકસાથે આવી જશે તો ભાડેના ઘરમાં રહેવું પડે તો તેણે ત્યાં ભાડું ચૂકવવું પડશે અને બીજી તરફ લોનના હપતા તો ખરા જ, એવા સવાલો રહીશોને સતાવી રહ્યા છે.
સુરત શહેરમાં અનેક એવા જાણીતા બિલ્ડરો છે, જેઓ પ્રોજેક્ટ લોન ખૂબ મોટા પ્રમાણમાં લઈ લેતા હોય છે. તો ક્યારેક રિફાઇનાન્સ પણ કરાવતા હોય છે. પ્રોજેક્ટ લોન અંગે ફ્લેટ ખરીદનારને વધુ માહિતી હોતી નથી. તે પોતાની લોન કરાવીને ફ્લેટ ખરીદી લે છે. બિલ્ડર તેનો દસ્તાવેજ પણ કરી દે છે, પરંતુ જ્યારે પ્રોજેક્ટ લોન જે બેંક પાસેથી લેવામાં આવી છે તે લોનની નોટિસ ફટકારે છે, ત્યારે ફ્લેટધારકોને આ અંગે માલૂમ પડે છે. આવી સ્થિતિમાં ફ્લેટધારકોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ જાય છે. એક તરફ લોન બેન્કો દ્વારા આપવામાં આવતી હોય છે. એના હપતા વધારે કરે છે તો બીજી તરફ બિલ્ડરે લીધેલી લોનના રૂપિયા ચૂકવી ન શકવાને કારણે આ રીતે ફ્લેટ સીલ મારી દેવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયામાં ફ્લેટધારકોનો કોઈપણ પ્રકારનો વાંક હોતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *